નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને ટ્વીટર પર ધમકી આપવાના મામલામાં ગૃહ મંત્રાલયે આક્રમક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુંબઈ પોલીસને આ મામલામાં કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય ગૃહ મંત્રાલયે ધમકી માટે ઉપયોગ કરાયેલા ટ્વીટર એકાઉન્ટની જાણકારી ટ્વીટર પાસેથી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને ટ્વીટર પર તેમની પુત્રી સાથે બળાત્કાર કરવાની ધમકી મળી હતી. પ્રિયંકાને આ ધમકી જય શ્રી રામ નામના એકાઉન્ટ અને ગિરીશકે1605 ટ્વીટર હેન્ડલમાંથી મળી હતી. જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પ્રવક્તાને મંદસૌર મામલામાં વાયરલ થઈ રહેલા એક નકલી સંદેશને લઈને ધમકી આપવામાં આવી. 


પ્રિયંકાને ટ્વીટર પર મળેલી ધમકી બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે તેની નિંદા કરી છે. બીજીતરફ એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ પણ નિંદા કરતા કહ્યું કે, આ ખતરનાક છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને કહ્યું કે, આને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે, આ પ્રકારના ખતરનાક પોસ્ટ કરનારની સંખ્યા ખૂબ વધી ગઈ છે.