ગાયક મીકા સિંઘની જાતીય સતામણીના આરોપમાં દુબઈમાં ધરપકડ
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર મીકા સિંઘની ટીમના એક સભ્યએ જણાવ્યું છે કે, એક યુવતીએ મિકા સિંહ પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે, જેના કારણે તેને અટકમાં લેવાયો છે
દુબઈઃ ભારતના પ્રખ્યાત પોપ સિંગર મિકા સિંઘની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. મીકા સિંઘ પર એક 17 વર્ષની બ્રાઝિલિયન યુવતીએ જાતિય શોષણના આરોપ લગાવ્યા છે. બ્રાઝિલિયન યુવતીએ મીકા સામે ફરિયાદ કરી હતી. આ કથિત પીડિતા વ્યવસાયે મોડલ હોવાનું કહેવાઈ રહ્યું છે.
મીકા સિંહની બુધવારે મોડી રાત્રે ત્રણ કલાકે સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. યુવતીએ મિકા સિંહ પર આરોપ લગાવ્યા છે કે એ તેને વાંધાજનક ફોટા મોકલતો હતો. મીકા પોતાના એક સિંગિંગ પરફોર્મન્સ માટે દુબઈમાં ગયો હતો.
દુબઈ પોલીસે એ વાતને સમર્થન આપ્યું છે કે, તેમણે મીકાની ધપકડ કરી છે. મીકાના મિત્રો પણ તેને છોડાવાના પ્રયાસો કરી રહ્યા છે.
મીકા સિંઘ તેના બે ગીત 'જુમ્મે કી રાત' અને 'મૌજા હી મૌજા' દ્વારા પ્રખ્યાત બન્યો હતો. વર્ષ 2015માં મીકાની દિલ્હીની તેની એક કોન્સર્ટ દરમિયાન એક ડોક્ટરને લાફો મારવાની ઘટનામાં પણ ધરપકડ કરાઈ હતી. મીકાએ સ્થાનિક આંબેડકર હોસ્પિટલના આંખના ડો. શ્રીકાંતને એટલો જોરથી લાફો માર્યો હતો કે આ ડોક્ટરને ડાબા કાનના અંદરના ભાગે ઈજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે માર્ચ મહિનામાં પંજાબની પટિયાલા કોર્ટે મીકાના ભાઈ દલેર મહેંદીને માનવ તસ્કરી (કબુતરબાજી)ના આરોપમાં દોષી ઠેરવ્યો હતો. તેને ગેરકાયદે રીતે લોકોને વિદેશ મોકલી આપવામાં દોષી ઠેરવાયો હતો. આ કેસમાં મહેંદીને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતા. સજા ફટકારાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેના વકીલોએ તેને જામીન પર છોડાવી લીધો હતો.