પથ્થરમારાની આડમાં આતંકવાદીઓનું ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 3 ઠાર
સૈન્ય જવાનો પર ગોળીબાર અને પેટ્રોલ બોમ્બ વડે હૂમલો થતા તેમણે સ્વબચાવમાં નિયંત્રિત ગોળીબાર કર્યો હતો
શ્રીનગર : દક્ષિણ કાશ્મીરના એક ગામમાં શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેનાથી બચવા લશ્કરે કરેલા કથિત ગોળીબારમાં 16 વર્ષીય કિશોરી સહિત 3 લોકોનાં મોત નિપજ્યા હતા.સેનાએ કહ્યું કે, પથ્થરમારાની આડ લઇને આતંકવાદીઓએ પેટ્રોલ પાર્ટી પર ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. આ ફાયરિંગમાં કેટલાક જવાનો પણ ઘાયલ થયા હતા. જવાનોનાં જીવ બચાવવા માટે સેનાએ પણ ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં ત્રણના મોત નિપજ્યા હતા. સેનાએ કહ્યું કે, આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, કુલામના હાવુરા ગામમાં એક પેટ્રોલિંગ દળ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો. પ્રવક્તાએ કહ્યું કે, પેટ્રોલિંગ આ પથ્થરમારાથી બચીને નિકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આક્રમક અને ઉન્માદી 500 જણાના ટોળાએ પેટ્રોલિંગ પાર્ટીનો પીછો કર્યો અને તેઓ ખતરનાક રીતે આગળ વધી રહ્યા હતા.
પ્રવક્તાએ કહ્યું કે, સૈનિકોએ ખુબ જ સંયમ વર્તયો અને પથ્થરમારો કરનારા લોકોને સતત ચેતવણી આપતા રહ્યા. જો કે પથ્થરમારો કરનારા લોકો પર તેની કોઇ જ અસર પડી નહોતી. પથ્થમારો કરનારા લોકો તરફથીપેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા. એક સમય બાદ પથ્થરમારાની આડમાં કેટલાક અજાણ્યા લોકોએ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. જેમાં કેટલાક જવાન ઘાયલ થયા હતા.
પ્રવક્તાએ કહ્યું કે, જવાનોની સુરક્ષા સુનિશ્ચત કરવા માટે સેનાએ નિયંત્રિત ફાયરિંગ કર્યું. તેમાં લોકોનાં જીવ ગયા. તેમણે જણાવ્યું કે, જમીની હકીકત ને તથ્યો અનુસાર આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે કથિત ગોળીબાર બાદ ખીણ વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઇ છે.