પણજી: પેનક્રિયાટિક કેન્સર સામે ઝઝૂમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માંગતા હતાં પરંતુ ભાજપ હાઈકમાન્ડે તેમને આમ કરતા રોક્યાં. ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રુખ અને રાજ્યના કૃષિ મંત્રી વિજય સરદેસાઈએ દાવો કર્યો છે કે પર્રિકર મુખ્યમંત્રી  પદ છોડવા માંગતા હતાં. અત્રે જણાવવાનું કે અમેરિકાથી સારવાર બાદ પાછા ફર્યા ત્યારે પર્રિકરે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી કે રાજ્યમાં નેતૃત્વ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવે. કારણ કે સારવારમાં લાંબો સમય લાગી શકે છે. આથી તેમણે આ પ્રકારે ભલામણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદેસાઈએ કહ્યું કે જ્યારે તેઓ ગણેશ ચતુર્થીના રોજ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે તેમણે પોતાના તમામ મંત્રાલય અન્ય મંત્રીઓને સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ત્યારબાદ અનેક એવી વસ્તુઓ ઘટી. ભાજપ હાઈકમાન્ડે હસ્તક્ષેપ કર્યો. રાજીનામું આપવું કે ન આપવું એ સંપૂર્ણ રીતે તેમના (પર્રિકર)ના હાથમાં નહતું. 


14 ઓક્ટોબરે મળી હતી હોસ્પિટલમાંથી રજા
નોંધનીય છે કે પર્રિકર પેનક્રિયાટિક કેન્સરની બિમારીથી પીડાય છે. નવી દિલ્હીની એમ્સમાંથી તેમને 14 ઓક્ટોબરના રોજ રજા અપાઈ હતી અને ત્યારથી તેઓ ઘરે જ સ્વાસ્થ્ય લાભ મેળવી રહ્યાં છે. એક સવાલના જવાબમાં તેમણે સ્વીકાર્યું કે સરકારના કામકાજ પર પર્રિકરના ખરાબ સ્વાસ્થ્યની અસર પડી છે. 


કેન્સર સામે ઝઝૂમી રહ્યાં છે પર્રિકર
અત્રે જણાવવાનું કે ગોવાના વર્તમાન સીએમ મનોહર પર્રિકર પેનક્રિયાટિક કેન્સર સામે ઝઝૂમી રહ્યાં છે. દિલ્હીની એમ્સ પહેલા તેઓ અમેરિકા સારવાર માટે ગયા હતાં. આ વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી પાછા ફર્યા બાદ પર્રિકરે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી કે રાજ્યમાં નેતૃત્વ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવે. કારણ કે સારવારમાં લાંબો સમય લાગી શકે છે. આથી તેમણે આ પ્રકારે ભલામણ કરી હતી.