Coaching Guidelines: દેશમાં આડેધડ ચાલતા કોચિંગ કારોબારના કારણે વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના કેસ, દુર્ઘટનાઓ વગેરેના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એક નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. જેને માનવી તમામ કોચિંગ સંસ્થાઓ માટે જરૂરી છે. તેનો ભંગ કરનારા કોચિંગ સેન્ટરો પર એક લાખ રૂપિયાથી લઈને રજિસ્ટ્રેશન રદ કરવા જેવી કાર્યવાહી પણ થઈ શકે છે. 10 પોઈન્ટમાં સમજો આ સમગ્ર ગાઈડલાઈન...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ઉંમર મર્યાદા નક્કી
શિક્ષણ મંત્રાલયે કોચિંગ સંસ્થાનોને લઈને જે ગાઈડલાઈન બહાર પાડી છે તેમાં ઉંમર મર્યાદા નક્કી કરી લીધી છે. હવે 16 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના પ્રવેશ પર નો એન્ટ્રી લાગી ગઈ છે. એટલે કે તેનો સીધો અર્થ એ થાય છે કે કોચિંગમાં પ્રવેશ સેકન્ડરી (10 ધોરણ)ની પરીક્ષા બાદ જ થઈ શકશે. આ નિયમનો ભંગ કરનારા સંસ્થાનો પર કાર્યવાહી થશે. 


2. ફીની રસીદ આપવી પડશે
નવી ગાઈડલાઈન મુજબ કોચિંગ સેન્ટરોએ વિદ્યાર્થીઓને ફીની રસીદ આપવી પડશે. આ સાથે જ વિવિધ કોર્સનો ઉલ્લેખ ક રતા એક પ્રોસ્પેક્ટ્સ પણ બહાર પાડવા પડશે. જેમાં ફી અને જમા કરવાના નિયમની પણ જાણકારી આપવી પડશે. કોચિંગ સંબંધિત તમામ જરૂરી જાણકારીઓ વેબસાઈટ પર આપવી પડશે. રજિસ્ટ્રેશન બાદ જ કોચિંગ શરૂ થઈ શકશે. અત્યારના કોચિંગ ક્લાસને ત્રણ મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોઈ ક્લાસની અનેક શાખા હોય તો અલગ યુનિટ ગણાશે. 


3. અધવચ્ચે કોચિંગ છોડે તો ફી પાછી આપવી પડે
કોચિંગ સંસ્થાનોએ પ્રોસ્પેક્ટ્સ અને નોટ્સ પણ વિદ્યાર્થીઓને પૈસા વગર આપવા પડશે. જો વિદ્યાર્થીએ પાઠ્યક્રમ માટે પૂરી ફી જમા કરી દીધી હોય પરંતુ અધવચ્ચે જ કોચિંગ છોડે તો વધેલી ફી 10 દિવસમાં પાછી આપવી પડશે. કોઈ એક કોર્સની ફી લીધા બાદ વધારી શકાશે નહીં. કોચિંગમાં જરૂરી હોય ત્યાં સીસીટીવી કેમેરા લાગવવાના રહેશે. 


4. ઓછામાં ઓછી 1 મીટરની જગ્યા જરૂરી
કોચિંગ ક્લાસમાં દરેક વિદ્યાર્થી માટે ઓછામાં ઓછી એક વર્ગ મીટરની જગ્યા હોવી જોઈએ. આ ઉપરાંત ફર્સ્ટ એડ કિટ અને મેડિકલ આસિસ્ટન્સ ફેસિલિટી પણ જરૂરી છે. પીવાનું સ્વચ્છ પાણી અને સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ. વિદ્યાર્થીઓ માટે જરૂરી જગ્યા અને સંસાધન નહીં હોય તો રજિસ્ટ્રેશન નહીં થાય. 


5. ફરિયાદ નિવારણ માટે સમિતિ
ગાઈડલાઈન મુજબ કોચિંગ સેન્ટરમાં એક ફરિયાદ નિવારણ પેટી કે રજિસ્ટર રાખી શકાય છે. કોચિંગ સેન્ટરમાં ફરિયાદોના નિવારણ માટે એક સમિતિ હશે. 


6. શાળાના સમયે કોચિંગ નહી
નવી ગાઈડલાઈન મુજબ શાળાના ક્લાસિસ સમયે વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ નહી કરી શકે. કોચિંગ ક્લાસે વિદ્યાર્થીઓ અને શિક્ષક માટે એક દિવસની સાપ્તાહિક રજા પણ સુનિશ્ચિત કરવી પડશે. 


7. રજાના આગલા દિવસે કોઈ ટેસ્ટ નહી લે
હવે સાપ્તાહિક રજાના આગલા દિવસે કોઈ ટેસ્ટ નહીં લેવાય. કોચિંગ ક્લાસ એક દિવસમાં પાંચ કલાકથી વધુ નહીં હોય. આ સાથે જ બહુ વહેલી સવારે કે મોડી સાંજે પણ નહીં થઈ શકે. મોટા તહેવારો વખતે બાળકો પરિવાર સાથે રહી શકે તે રીતે રજા આપવી પડશે. 


8. કોચિંગ સંસ્થાન આયોજિત કરે કાઉન્સિલિંગ સેશન
કોચિંગ સંસ્થાનોએ લાઈફ સ્કિલ, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, રચનાત્મકતા અને ફિટનેસ, વેલનેસ, ઈમોશનલ  બોન્ડિંગ, મેન્ટલ વેલ બિઈંગ, મોટિવેશન માટે ટીચર, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ સેશન આયોજિત કરવા પડશે. 


9. ટેસ્ટ રિઝલ્ટ જાહેર નહીં
નવી ગાઈડલાઈન મુજબ કોચિંગ સેન્ટર પોતાના દ્વારા આયોજિત ટેસ્ટના પરિણામને જાહેર કરી શકશે નહીં. તેનો ઉપયોગ ફક્ત વિદ્યાર્થીઓના દેખાવના નિયમિત વિશ્લેષણ માટે જ થવો જોઈએ. 


10. દિવ્યાંગો મુજબ  પરિસર
કોચિંગ સંસ્થાનો કોઈ પણ વિદ્યાર્થી સાથે જાતિ, ધર્મ, નસ્લ, લિંગ, જન્મસ્થાન, વંશ વગેરેના આધાર પર ભેદભાવ કરશે નહીં. કોચિંગ સેન્ટરની ઈમારત અને આજુબાજુનું પરિસર દિવ્યાંગો માટે  અનુકૂળ હશે.