Corona: ભારતના ગામડાઓમાં ઘૂસી ગયેલા હઠીલા કોરોના પર કાબૂ મેળવવા સરકારે કમર કસી, લીધુ આ મોટું પગલું
કોરોનાની બીજી લહેરમાં વાયરસ ગામડાઓમાં ખાસ્સો કહેર વર્તાવી રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે.
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં વાયરસ ગામડાઓમાં ખાસ્સો કહેર વર્તાવી રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલી આ નવી માર્ગદર્શિકામાં ગ્રામીણ વિસ્તારો ઉપરાંત શહેરના બહારના વિસ્તારો અને જનજાતીય વિસ્તારો માટે પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. જે હેઠળ અન્ય ઉપાયોની સાથે સાથે ગ્રામીણ સ્તરે કોવિડના મેનેજમેન્ટ માટે સ્વાસ્થ્યની માળખાગત સુવિધાઓની નિગરાણી, કોરોના તપાસ અંગે પણ નિર્દેશ અપાયા છે. આ સાથે જ ઘર પર કમ્યુનિટી બેઝ્ડ આઈસોલેશનની પણ વાત કરાઈ છે.
દરેક ગામમાં થશે નિગરાણી
સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે આશા કાર્યકરો દ્વારા દરેક ગામમાં ગ્રામ સ્વાસ્થ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ (VHSNC) ની મદદથી સમયાંતરે ઈન્ફ્લૂએન્ઝા જેવા તાવ/વાયરલ/ગંભીર શ્વસન સંક્રમણ વગેરે માટે નિગરાણી થવી જોઈએ. આ ઉપરાંત સામુદાયિક સ્વાસ્થ્ય અધિકારી (CHO) ને ટેલિકન્સલ્ટેશન દ્વારા આ મામલાઓની તીવ્રતા તપાસવા માટે પણ કહેવાયું છે. આ સાથે જ જે લોકોમાં ઓક્સિજનનું લેવલ ઓછું મળે કે જેમને અન્ય બીમારીઓ છે તેમને જિલ્લા હોસ્પિટલો કે અન્ય મોટી હોસ્પિટલોમાં મોકલવાનું કહેવાયું છે. આ સાથે CHO ને રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT) કરવા માટે તાલીમ આપવાનું કહેવાયું છે.
રિપોર્ટ આવે ત્યાં સુધી આઈસોલેટ રહેશે દર્દી
મંત્રાલયે કહ્યું છે કે દર્દીઓના રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેમને આઈસોલેટ રહેવાનું કહેવું જોઈએ. લક્ષણોવગરના લોકો જે કોવિડ દર્દીથી 6 ફૂટના અંતરે માસ્ક વગર કે 15 મિનિટ સુધી સંપર્કમાં આવ્યા છે તેમણે ક્વોરન્ટિનમાં રહેવું જોઈએ. આ સાથે જ ICMR પ્રોટોકોલ મુજબ તેમના ટેસ્ટ થવા જોઈએ. ગાઈડલાઈનમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની પણ વાત કરાઈ છે. આ માટે ઈન્ટીગ્રેટેડ ડિસિઝ સર્વિલાન્સ પ્રોગ્રામ્સ (IDSP)ની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવાયું છે. આ બાજુ કોરોના સંક્રમિત દર્દી જો ઘર પર જ ક્વોન્ટિન થાય તો તે સંજોગોમાં તેમણે મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું જરૂરી રહેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube