ડાયેટ વિશેની કેટલીક ગેરમાન્યતાઓ જે નહીં જાણો તો થશે મોટું નુકસાન
વજન ઉતારવા માટે સાચી કસરત અને ખોરાકનું નિયંત્રણ જરૂરી છે
નવી દિલ્હી : કસરત કરવાથી વજન કાબૂમાં રહે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે. જોકે વજન ઉતારવા માટે સાચી કસરત અને ખોરાકનું નિયંત્રણ જરૂરી છે. ઘણી વાર વધુ પડતી કસરત કર્યા પછી એલફેલ ખવાય છે તો વજન ઘટવાને બદલે વધે છે. આમ, વજન અને ડાયેટ વિશેની કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જેની સ્પષ્ટતા ન હોય તો ફાયદાને બદલે વધારે નુકસાન થાય છે.
કસરત દરમિયાન અથવા કસરત પછી પાણી ના પીવાય
જ્યારે તમે કસરત કરો છો ત્યારે શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થાય છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં વધુ પરસેવો થઈએ શરીરમાં પાણીનો ભાગ ઓછો કરે છે ત્યારે શરીરને ડિહાઇડ્રેટ ના થાય તેના માટે વધુ પાણી પીવું જોઈએ. કસરત દરમિયાન પાણી પીવાથી ક્રેમ્પ નથી આવતા અને સરળતાથી ધારી કસરત કરી શકાય છે.
ફ્રૂટ ના ભાવે તો જૂસ પી લો
ફ્રૂટમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ છે. જે શરીરમાં ખાંડમાં રૂપાંતરિત થાય છે. જ્યૂસ બનાવવા માટે વધુ ફળોનો ઉપયોગ કરવામાં આવે છે તેથી એક સમયે જ્યૂસ લેવાથી ફ્રૂટ કરતાં કેલરી વધી જાય છે. તે ઉપરાંત ફળોના જ્યૂસમાં ફાઇબર્સ કાઢી લેવામાં આવે છે. ફાઇબર્સ પેટમાં ભાર કરે છે. જે લગભગ જ્યૂસ બનાવતી વખતે કાઢી લેવામાં આવે છે માટે એક સફરજન ખાઈએ ને જે પેટમાં ભાર લાગે તેવો ૨થી ૩ સફરજનના રસમાં લાગતો નથી.
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ સાથે ના ખાવાં જોઈએ
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સના સાથે ખાવા કે ના ખાવાની ચર્ચા કરતાં અસંખ્ય પુસ્તકો લખાયાં છે. લગભગ લોકો માને છે કે જો પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો સાથે ખાવામાં આવે તો વજન વધી શકે છે, પરંતુ એ સાચું નથી, કારણ કે ખોરાકનું પાચન તો મોઢામાંથી જ શરૂ થઈ જાય છે. ખોરાક એટલો ખાધો હોય કે સાથે લોહીમાંનું ગ્લુકોઝ લેવલ કાર્બોદિત પદાર્થોને આધારિત રહે છે. બેચેની લાગવી, વધુ પડતી ભૂખ લાગવી કે માથું દુખવું વગેરે કાર્બોદિત ઓછા લેવાથી થઈ શકે છે.
ઓછું ખાઈએ તો વધુ વજન ઊતરે
ઓછો ખોરાક ખાવાથી તમારું મેટાબોલિઝમ નીચું જાય છે તે ઉપરાંત મસલ માંસ પણ ઓછાં થાય છે. તે ઉપરાંત ઓછું ખાવાના લીધે વારંવાર ભૂખ લાગ્યા કરે છે. ખોટા સમયે લાગતી ભૂખમાં લગભગ સૂકા કે તળેલા નાસ્તા જ ખવાતા હોવાથી વજન ઘટવાના બદલે વધતું હોય છે. આ ઉપરાંત ઓછું ખાવાના લીધે અથવા ના ખાવાના લીધે જરૂરી પોષકતત્ત્વો જેમ કે, મેંગેનીઝ, ઝિંક, ફોલિક એસિડ વગેરેની ખામી ઊભી થાય છે. માટે ઓછું ખાવું તેના કરતાં પોષકતત્ત્વોથી ભરપૂર ખાવું વધુ હિતાવહ છે. તમારા માટે એવો ખોરાક નક્કી કરો જે તમને પૂરતું પોષણ આપે. આ ઉપરાંત વજન ઉતારવા માટે ભલે વજન થોડું જ ઊતરે, પરંતુ તમે ઉતારેલું વજન જલદી પાછું વધતું નથી.
માખણ ના ખાવું અને માર્જરીન ખાવું હિતાવહ છે
આ ખોટો વિચાર છે. ખરેખર તો માર્જરીનમાં હાનિકારક ફેટ આવેલી છે. જે બ્લડ કોલેસ્ટ્રેલ લેવલ વધારે છે. તેનાથી હાર્ટની તકલીફો વધી શકે છે. માર્જરીન અને માખણની સરખામણીમાં માખણ વધુ ગુણકારી છે. એ વાત જુદી છે કે વધુ પડતું માખણ પણ વજન વધારીને નુકસાન કરે છે.
વજન ઉતારવા માટે મમરા, ખાખરા, બિસ્કિટ અકસીર ઉપાય છે
કોઈ પણ તળેલા નાસ્તા જેમ કે, ચવાણા, પાપડી કરતાં ખાખરા, મમરા શરીર માટે સારા છે, પરંતુ ખાખરા, મમરા કે ઘઉંમાંથી બનેલાં બિસ્કિટ ખાવાથી વજન ઊતરતું નથી, કારણ કે બિસ્કિટમાં ભલે ઘઉં કે બીજા સારા લોટ વાપરવામાં આવ્યા હોય પણ તેને પોચાં બનાવવા માટે માર્જરીન જેવી ફેટ વાપરવામાં આવે છે અને ઓછા પ્રમાણમાં હોય તો પણ ખાંડ તો નાખેલી હોય છે જ ઉપરાંત હળવાં હોવાથી વધુ ખવાય છે અને તેમાં તેની કેલરીના પ્રમાણમાં પોષકતત્ત્વો હોતાં નથી. ખાખરા પોતે સૂકા હોવાથી વધુ ખવાય છે અને તેમાંનાં પોષકતત્ત્વો વધુ પડતી ગરમીમાં શેકીને બનાવવામાં આવતાં હોવાથી નાશ પામે છે. આજકાલ જે જુદી જુદી જાતના ખાખરા મળે છે તે તેલ, ઘીથી ભરપૂર હોય છે.
આમ, આપણે જુદી જુદી માન્યતાઓથી ઘેરાયેલા હોઈએ છીએ. શું કરવું, શું ના કરવું એ જોતા રહીએ? શું ખાવું, શું ના ખાવું તેમાં આપણા પોતાના જ નક્કી કરેલા નિયમોને આધારે ચાલ્યા કરીએ છીએ. વજન ઊતરવાને બદલે વધ્યા કરતું હોય છે અને વધુ વજનના કારણે થતાં રોગો જેવા કે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટના રોગોથી ઘેરાયેલા રહીએ છીએ.