મિશન 2019: ઉત્તર પ્રદેશની આ 24 બેઠકો પર કોંગ્રેસની નજર, શરૂ કરી તૈયારીઓ
ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણી 2019ને લઈને તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. પરંતુ હજુ સુધી મહાગઠબંધનની તસવીર સ્પષ્ટ થઈ નથી.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણી 2019ને લઈને તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. પરંતુ હજુ સુધી મહાગઠબંધનની તસવીર સ્પષ્ટ થઈ નથી. પરંતુ કોંગ્રેસની રાજ્યની આ 24 બેઠકો પર બાજ નજર છે. જે બેઠકો પરથી જીતની સંભાવના છે તેના પર પાર્ટી ફોકસ કરી રહી છે. પાર્ટીની તે તમામ બેઠકો પર ઠીકઠાક હાજરી છે. તેમાંથી કેટલીક બેઠકો એવી છે જે 2019ની ચૂંટણીમાં ખુબ ઓછા અંતરથી ગુમાવી હતી. કોંગ્રેસે હાલ આ તમામ બેઠકો માટે ગ્રાઉન્ડવર્ક ચાલુ કરી દીધુ છે.
'ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ'ના જણાવ્યાં મુજબ આ મામલે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે અમે ગઠબંધનને લઈને આશાવાદી છીએ અને અમે હજુ પણ સમાધાન કરવા માટે તૈયાર છીએ પરંતુ જ્યાં સુધી ગઠબંધનની તસવીર સ્પષ્ટ ન થાય ત્યા સુધી અમે આમ શાંતિથી બેસી શકીએ નહીં. અમે અમારા ઉમેદવારોને પસંદગી પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધુ છે અને પાર્ટી કેડરને કહ્યું છે કે તેઓ આ સીટો પર કામ કરવાનું શરૂ કરી દે.
આ બેઠકો પર કોંગ્રેસની બાજ નજર
ઉત્તર પ્રદેશની જે 24 બેઠકો પર કોંગ્રેસની નજર છે તેમાં અમેઠી, રાયબરેલી, સુલ્તાનપુર, પ્રતાપગઢ, બારાબંકી, ઘૌહારા, પ્રતાપગઢ, કાનપુર, ઉન્નાવ, કુશીનગર, મુરાદાબાદ, બરેલી, લખનઉ, વારાણસી, અલાહાબાદ, ફરુખાબાદ, સહારનપુર, જૌનપુર,મથુરા, ફૈજાબાદ, ફતેહપુર સીકરી સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ નેતાઓને મહાગઠબંધન ઉપર કઈ પણ બોલવા સંબંધે ચેતવણી અપાયેલી છે. સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે મહાગઠબંધનની ઔપચારિક જાહેરાત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાં બાદ કરવામાં આવશે.
2019ની ચૂંટણીમાં કોંગ્રસની સ્થિતિ
કોંગ્રેસ જે 24 બેઠકોની વાત કરી રહી છે તેના 2014ના ચૂંટણી પરિણામો પર નજર નાખીએ તો અનેક બેઠકો પર કોંગ્રેસ બીજા નંબર રહી હતી. આ બેઠકોમાં બારાબંકી, કાનપુર, કુશીનગર અને સહારનપુર સામેલ છે. સુલ્તાનપુરમાં કોંગ્રેસ ચોથા નંબરે હતી. માત્ર 41,000 મતો મળ્યા હતાં. બારાબંકીમાં તે બીજા નંબરે હતી. ધૌહારામાં ચોથા નંબરે હતી. પ્રતાપગઢમાં ત્રીજા નંબરે હતી. કાનપુરમાં કોંગ્રેસના શ્રીપ્રકાશ જયસ્વાલ બીજા નંબરે રહ્યાં હતાં. ઉન્નાવમાં ચોથા નંબરે રહી હતી. કુશીનગરમાં રંજીત પ્રતાપ નારાયણ સિંહ બીજા નંબરે રહ્યાં હતાં. મુરાદાબાદમાં કોંગ્રેસ પાંચમા નંબરે રહી હતી. બરેલીમાં ચોથા, લખનઉમાં ત્રીજા, અલાહાબાદમાં ચોથા, વારાણસીમાં ત્રીજા, ફરુખાબાદમાં ચોથા, સહારનપુરમાં બીજા, જૌનપુરમાં છઠ્ઠા, ફૈજાબાદમાં ચોથા સ્થાન પર રહી હતી.
આ દરમિયાન એક અન્ય વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે પાર્ટીને ઉત્તર પ્રદેશમાં પોતાની નબળી સ્થિતિનો ખ્યાલ છે. પરંતુ અમને સન્માનજનક બેઠકો મળવાની આશા છે. તેમણે જણાવ્યું કે અમે કેટલીક બેઠકો છોડવા કે લેવા માટે તૈયાર છીએ. મોટો મુદ્દો ગઠબંધન બનાવીને ભાજપને હરાવવાનો છે. આ અંગે જ્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે "રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધનના મુદ્દાને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ઉકેલાશે જે આ મામલે નજર રાખી રહ્યાં છે. અત્યારે તો અમે પાર્ટીને મજબુત બનાવવા પર ધ્યાન આપી રહ્યાં છીએ. આ માટે બૂથ સ્તર સુધીના સંગઠનને મજબુત કરવા પર ભાર મૂકી રહ્યાં છીએ."