મુંબઈઃ વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી અને નિર્ણાયક બેઠક મુંબઈમાં યોજાવા જઈ રહી છે, ત્યારે આ ગઠબંધનમાં ભારે હલચલ જોવા મળી છે. આ બેઠકમાં વિપક્ષની એકતાની ખરી પરીક્ષા થવાની છે. ગઠબંધનના સાથી પક્ષોમાં અસંતોષના સૂર પણ ઉઠી રહ્યા છે. શું છે તેની પાછળના કારણ, જોઈએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન પર હવે ઔપચારિક મહોર લાગવા જઈ રહી છે. 31મી ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે ગઠબંધનની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠક નિર્ણાયક હશે. કેમ કે બેઠકમાં ગઠબંધનના લોગો અને ઝંડાનું અનાવરણ કરાશે, તેમજ ચૂંટણી અંગેના મહત્વના નિર્ણય લેવાશે. બેઠકમાં ગઠબંધનના સંયોજકના નામ પર પણ મહોર લાગી શકે છે. 


આરજેડી અધ્યક્ષ લાલુ યાદવ અને તેમના પુત્ર તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તો બેઠક માટે અત્યારથી જ મુંબઈ પહોંચી ગયા છે.


પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠક પહેલાં જ ગઠબંધનના નામે કેન્દ્ર સરકાર સામે હુંકાર કર્યો છે. તેમનું કહેવું છે કે વિપક્ષના ગઠબંધનની હજુ બે જ બેઠકો યોજાઈ છે, ત્યાં કેન્દ્ર સરકારે LPG સિલિન્ડરની કિંમતો ઘટાડવી પડી છે. આ છે ઈન્ડિયાનો દમ..


આ પણ વાંચોઃ વાહ! ચંદ્ર પર ઓક્સિજન છે, રોવર પ્રજ્ઞાને અન્ય મહત્વપૂર્ણ તત્વો શોધ્યા, જાણો વિગત


જો કે ભાજપે ઈન્ડિયા ગઠબંધનની એકતા સામે જ સવાલ ઉભા કર્યા છે. ભાજપ એમ કહીને આ ગઠબંધન પર નિશાન સાધ છે કે તેમાં સામેલ તમામ પક્ષોના નેતાઓને પ્રધાનમંત્રી બનવું છે.. 


બેઠક પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે ઘણી અટકળો વહેતી થઈ છે. તેમનાં પક્ષ JDUમાંથી એવી માગ ઉઠી હતી કે નીતિશકુમારને ગઠબંધનના સંયોજક તરીકે જાહેર કરવામાં આવે. જો કે કોંગ્રેસ ઈચ્છે છે કે મલ્લિકાર્જુન ખડગે સંયોજક બને. આ જ કારણ છે કે ગઠબંધનમાં અત્યારથી તડાં દેખાઈ રહ્યા છે. જો કે નીતિશ કુમારનો દાવો છે કે તેમને કંઈ નથી જોઈતું અને તેઓ મુંબઈની બેઠકમાં હાજરી આપશે. 


એક રીતે વિપક્ષના ગઠબંધન મામલે બિહારનું રાજકારણ સૌથી વધુ ગરમાયું છે. અહીં કોંગ્રેસ ,આરજેડી અને જેડીયુ વિપક્ષના ગઠબંધનમાં સામેલ છે, જ્યારે ભાજપ અને એલજેપી એનડીએનો ભાગ છે. નીતિશકુમારને તેમના વિરોધીઓ ઘેરી રહ્યા છે. 
 
છેલ્લા ઘણા સમયથી જાહેરમાં ન દેખાયેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામે આવી ગયા છે, તેમણે પણ નીતિશકુમારની આગેવાની સામે સવાલ ઉઠાવ્યા છે.


વિપક્ષની એકતામાં કેટલો દમ છે, એ હવે આગામી ત્રણ દિવસમાં સામે આવી જશે. ગઠબંધન બની જશે તો લોકસભા પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેની એકતાની પરીક્ષા થઈ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube