ઐઝવાલઃ ઉત્તર પૂર્વના રાજ્ય મિઝોરમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે 75 ટકા મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર આશિષ કુંદ્રાએ જણાવ્યું કે, હજુ અનેક મતદાન મથકો પર મતદારોની લાઈનો હોવાને કારણે મતદાનની ટકાવારી વધી શકે છે. મિઝોરમમાં વિધાનસભાની 40 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં 209 ઉમેદવારોનું ભાવી સીલ થયું હતું.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી લાલથનહવલા જે સરચીપ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં રાજ્યનું સૌથી વધુ 81 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 52 ટકા મતદાન ત્રિપુરાની સરહદ પર આવેલા મામિત જિલ્લાના કાનહુમ ગામમાં નોંધાયું હતું. આ ગામમાં ત્રિપુરામાંથી આવેલા બ્રૂ જાતિના શરણાર્થીઓ વસે છે. કાનહુમમાં મતદાન બપોરે 3 કલાકે પુરું થયું હતું જ્યારે રાજ્યની અન્ય બેઠકો પર સાંજે 4 કલાકે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. 


રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે મુક્ત, શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા માટે મિઝોરમની પ્રજાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, હું ખાસ કરીને યંગ મિઝો એસોસિએશનનો આભાર માનુંછું, જેમણે ચૂંટણી પંચને દરેક શક્ય મદદ કરકી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર આશિષ કુન્દ્રાની ચૂંટણીની એક રાત પહેલા જ જૂના ચૂંટણી કમિશનર શશાંકના સ્થાને નિમણૂક કરવામાં આવી હતી. સિવિલ સોસાયટીની ફરિયાદ બાદ શશાંકને તેમના પદ પરથી દૂર કરાયા હતા. 


108 વર્ષના વૃદ્ધ, 106 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન
રાજ્યમાં રોચિંગા નામના 108 વર્ષના વૃદ્ધે મતદાન કર્યું હતું. જેઓ રાજ્યના સૌથી વયોવૃદ્ધ મતદાતા બન્યા હતા. તેઓ લાકડીના ટેકાથી ચાલીને મતદાન મથક સુધી પહોંચ્યા હતા.  આ ઉપરાંત રાજ્યમાં 106 વર્ષના દારોહનુની, 104 વર્ષના ઐઝિકી, અને 96 વર્ષના નુચૂંગી નામના વૃદ્ધાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 



મિઝોરમમાં સાંજે 4 કલાક મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. અહીં કુલ 7,70,395 મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો, જેમાં 3,94,897 મહિલાઓ હતી અને 32,545 પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો હતો. રાજ્યમાં સાંજે 5 કલાકે જ્યારે તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો ત્યારે કુલ 75 ટકા મતદાન નોંધાયું છે અને 209 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હવે, મતગણતરી 11 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. 


કુલ બેઠકઃ 40
બહુમત માટે જરૂરી બેઠકઃ 21
ચૂંટણી જાહેરઃ 6 ઓક્ટોબર, 2018
મતદાનઃ 28 નવેમ્બર, 2018
મતગણતરીઃ 11 ડિસેમ્બર, 2018 


2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ    સીટ
કોંગ્રેસ    34
MNF    05
MPC    01


મિઝોરમમાં છેલ્લા 5 મુખ્યમંત્રી 
1993 : લાલ થનહવલા (કોંગ્રેસ)
1998 : ઝોરામથંગા (MNF)
2003 : ઝોરામથંગા (MNF)
2008 : લાલ થનહવલા (કોંગ્રેસ)
2013 : લાલ થનહવલા (કોંગ્રેસ)