નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી 7 યોજનાઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના જીવનમાં સુધાર અને તેની આવક વધારવા માટે કેબિનેટે સોમવારે 7 મોટા નિર્ણયો લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત આ 7 કાર્યક્રમો માટે આશરે 14,000 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું- પ્રથમ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે, તે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે છે. 2817 કરોડ રૂપિયાના રોકાણથી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર થશે. 


ખેડૂતોને મોદી સરકારની આ ભેટ
1- તેમણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
2- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે.
3- તેમણે કહ્યું, કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી છે.
4- સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી.
5- કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
6- કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણી મંજૂર.
7- કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 1,115 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.



કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મળી મંજૂરી
- કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના સાણંદમાં એક સેમીકંડક્ટર એકમ સ્થાપિત કરવા માટે કેનેસ સેમીકોન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત એકમ 3300 કરોડ રૂપિયાના રોકાણથી સ્થાપિત કરવામાં આવશે. આ એકમની ક્ષમતા પ્રતિદિન 60 લાખ ચિપની હશે. 


- આ એકમમાં બનેલી ચિપ વિવિધ પ્રકારે ઉપયોગમાં લેવાશે, જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઈલેક્ટ્રિક વાહન, ઉપભોક્તા ઈલેક્ટ્રોનિક્સ, દૂરસંચાર મોબાઈલ ફોન વગેરે જેવા ક્ષેત્ર સામેલ છે. 


- કેબિનેટે 309 કિમી લાંબી નવી લાઈન પ્રોજેક્ટને મંજૂરી આપી: મુંબઈ અને ઈન્દોર - બે મુખ્ય વ્યાપારી હબ વચ્ચે ટૂંકી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા.