Modi Cabinet Expansion: હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, જાવડેકર...મોદી મંત્રીમંડળમાંથી આ દિગ્ગજ નેતાઓ થયા આઉટ
મોદી કેબિનેટનું આજે સાંજે વિસ્તરણ થવાનું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ પોખરિયાલ નિશંક, સદાનંદ ગૌડા, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતનલાલ કટારિયા અને પ્રતાપ સારંગીએ રાજીનામા સોંપ્યા છે. આવો જાણીએ આખરે આ રાજીનામા પાછળ શું છે કહાની.
નવી દિલ્હી: મોદી કેબિનેટનું આજે સાંજે વિસ્તરણ થવાનું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ પોખરિયાલ નિશંક, સદાનંદ ગૌડા, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતનલાલ કટારિયા અને પ્રતાપ સારંગીએ રાજીનામા સોંપ્યા છે. આવો જાણીએ આખરે આ રાજીનામા પાછળ શું છે કહાની.
મંત્રીમંડળના વિસ્તરણ અગાઉ સૌથી પહેલા થાવરચંદ ગેહલોતને મંત્રીમંડળમાંથી હટાવીને કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવાયા. તેઓ સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી હતા. આ ઉપારંત ગેહલોત પાસે રાજ્યસભામાં નેતા સદન અને ભાજપ પાર્લિયામેન્ટરી બોર્ડના સભ્યનું પણ મહત્વનું પદ હતું. અત્યાર સુધીમાં 12 રાજીનામા પડ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામના રાજીનામા સ્વીકારી લીધા છે.
આ મંત્રીઓના રાજીનામા પડ્યા
ડો.હર્ષવર્ધન: કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને રાજીનામું આપી દીધુ છે. કોરોનાની બીજી લહેર બાદ જે પ્રકારે મોદી સરકાર સવાલોના ઘેરામાં આવી તેના કારણે ડો.હર્ષવર્ધન પર ગાજ પડી હોઈ શકે છે. હર્ષવર્ધન પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય પણ હતું. એટલે કે હર્ષવર્ધનના રાજીનામાથી બે ભારે ભરખમ મંત્રાલય ખાલી થયા છે.
રવિશંકર પ્રસાદ: રવિ શંકર પ્રસાદે પણ રાજીનામું આપી દીધુ છે. તેમની પાસે 3 મંત્રાલયનો કાર્યભાર હતો. રાષ્ટ્રપતિએ રાજીનામું મંજૂર કરી દીધુ હતું.
પ્રકાશ જાવડેકર: દિગ્ગજ નેતા ગણાતા પ્રકાશ જાવડેકરે પણ મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજીનામું આપી દીધુ છે.
બાબુલ સુપ્રીયો- પશ્ચિમ બંગાળના આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રીયોએ પણ રાજીનામું આપ્યું છે. તેઓ પર્યાવરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. કહેવાય છે કે બાબુલ સુપ્રીયોથી પાર્ટી નારાજ હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ બાબુલ સુપ્રીયો મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ 50 હજાર મતથી હાર્યા હતા.
રાવ સાહેબ દાનવે પાટિલ- મહારાષ્ટ્રની જલના લોકસભા બેઠકથી સાંસદ રાવ સાહેબ દાનવે પાટિલે પણ રાજીનામું આપ્યું છે. તેઓ ગ્રાહક મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા.
દેબોશ્રી ચૌધરી- પશ્ચિમ બંગાળની રાયગંજ લોકસભા સીટથી ભાજપના સાંસદ દેબોશ્રી ચૌધરીને પણ રાજીનામું આપવાનું કહેવાયું. તેઓ મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી હતા. કહેવાય છે કે તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપમાં મહત્વનું પદ મળી શકે છે.
રમેશ પોખરિયાલ નિશંક- ઉત્તરાખંડના હરિદ્વારથી સાંસદ રમેશ પોખરિયાલ નિશંકે પણ રાજીનામું આપ્યું છે. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રી હતા. એટલે કે શિક્ષણ મંત્રી હતા. તાજેતરમાં તેમને કોરોના થયો હતો અને તેઓ એક મહિનાથી એડમિટ હતા. ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને તેમણે રાજીનામું આપ્યું છે.
સદાનંદ ગૌડા- કર્ણાટકના બેંગલુરુ નોર્થથી ભાજપના સાંસદ સદાનંદ ગૌડાને રાજીનામું આપવાનું કહેવાયું. તેઓ રસાયણિક અને ખાતર મંત્રી હતા. કહેવાય છે કે કોરોનાકાળમાં દવાઓની કમીને લઈને મોદી સરકારની જે આલોચના થઈ તેની અસર થઈ.
સંતોષ ગંગવાર- ઉત્તર પ્રદેશના બરેલીથી સાંસદ સંતોષ ગંગવારને પણ રાજીનામું આપવાનું કહેવાયું છે. તેઓ શ્રમ અને રોજગાર મંત્રી (સ્વતંત્ર પ્રભાર) હતા. કોરોનાકાળ દરમિયાન સંતોષ ગંગવારનો એક પત્ર ખુબ વાયરલ થયો હતો. જેમાં તેમણે યુપી સરકારની ટીકા કરી હતી. તેમની જગ્યાએ લખીમપુર ખીરીથી સાંસદ અજય મિશ્રાને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.
સંજય ધોત્રે- મહારાષ્ટ્રના અકોલા વિધાનસભા બેઠકથી સાંસદ સંજય ધોત્રેને પણ રાજીનામું આપવાનું કહેવાયું. તેઓ શિક્ષણની સાથે સાથે સૂચના અને ટેક્નોલોજી મંત્રાલયના રાજ્યમંત્રી હતા. કહેવાય છે કે પીએમ મોદી સંજય ધોત્રેના કામથી ખુશ નહતા. તેમને સંગઠનમાં એડજસ્ટ કરવામાં આવી શકે છે.
રતનલાલ કટારિયા- હરિયાણાના અંબાલાથી સાંસદ રતનલાલ કટારિયાએ પણ રાજીનામું આપ્યું છે. તેઓ જળશક્તિ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. તેમની જગ્યાએ સિરસાથી સાંસદ સુનીતા દુગ્ગલને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.
પ્રતાપ સારંગી- ઓડિશાના બાલાસોરથી સાંસદ પ્રતાપ સારંગીએ પણ રાજીનામું આપ્યું છે. તેઓ સુક્ષ્મ, લઘુ અને મધ્યમની સાથે સાથે પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલયના રાજ્યમંત્રી હતા.