Modi Cabinet Reshuffle: મોદી કેબિનેટનો વિસ્તાર, 15 કેબિનેટ સહિત કુલ 43 મંત્રીઓએ લીધા શપથ
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં નવા મંત્રીઓનો શપથ સમારોહ સમાપ્ત થઈ ગયો છે. કુલ 43 મંત્રીઓએ શપથ લીધા છે. મોદી 2.0 સરકારના મંત્રીમંડળનું આ પ્રથમ વિસ્તરણ છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે. કુલ 43 લોકોને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. 15 લોકોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાંથી અનુરાગ ઠાકુર, પુરૂષોત્તમ રૂપાલા, કિરણ રિજિજૂ અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે. આ સિવાય જ્યોતિરાદિત્ય સિંધિયા, પશુપતિ પારસ, નારાયણ રાણે અને સર્વાનંદ સોનોવાલને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતથી કુલ પાંચ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ નવા નામ સામેલ છે.
શપથ ગ્રહણ લાઇવ અપડેટ..
- પશ્ચિમ બંગાળના કુચબિહારથી સાંસદ નિશીથ પ્રામાણિકે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ.
- ડો. એલ મુરૂગને રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. વકીલાતમાં પીએચડીની મેળવી છે ડિગ્રી.
- પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી સાંસદ જોન બાર્લાએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ.
- ગુજરાતના સુરેન્દ્રનગરથી લોકસભા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા રાજ્યમંત્રી બન્યા. મોદી સરકારમાં કોળી સમાજને મળ્યું પ્રતિનિધિત્વ.
- બંગાળથી મતુઆ સમુદાયથી આવતા શાંતનુ ઠાકુર રાજ્યમંત્રી બન્યા. બંગાળના બનગાંવથી ભાજપના સાંસદ છે શાંતનુ.
- બિશ્વેશ્વર ટુડૂએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ઓડિશાના મયૂરભંજથી લોકસભા સાંસદ છે બિશ્વેશ્વર.
- ડો. ભારતી પવારે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ડિંડોરીથી લોકસભા સાંસદ છે ભારતી પવાર.
- ઇનર મણિપુરથી લોકસભા સાંસદ ડો. રાજકુમાર રંજન સિંહે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ભુગોળના પ્રોફેસર રહ્યા છે રાજકુમાર રંજન સિંહ.
- પશ્ચિમ બંગાળના બાંકુરાથી સાંસદ ડો. સુભાષ સરકારે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા છે ડો. સુભાષ સરકાર.
- પ્રતિમા ભૌમિકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્રિપુરા પશ્ચિમથી લોકસભા સાંસદ છે પ્રતિમા ભૌમિક. બાયો સાયન્સમાં ગ્રેજ્યુએટ છે.
- કપિલ મોરેશ્વર પાટિલ રાજ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રના ભિવંડીથી બીજીવખત સાંસદ બન્યા છે કપિલ મોરેશ્વર. એનસીપી છોડી ભાજપમાં થયા હતા સામેલ.
- કર્ણાટકના બીધરથી સાંસદ ભગવંત ખૂબાએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ.
- ગુજરાતના ખેડાથી બીજીવાર સાંસદ બનેલા દેવુસિંહ ચૌહાણે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુ એક નેતાને મળી તક. બે વખત ગુજરાતમાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે દેવુસિંહ ચૌહાણ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube