ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તો
સતત ત્રીજીવાર દેશની કમાન સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે.
PM-kisan Samman Nidhi: સતત ત્રીજીવાર સત્તામાં આવ્યા બાદ કેન્દ્રની એનડીએ સરકારે દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે. હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પીએમ-કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો રિલીઝ કર્યો છે. તે હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ત્રીજીવાર સત્તા સંભાળ્યા બાદ જે પહેલી ફાઇલ પર સહી કરી હતી, તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જારી કરવા સંબંધિત હતી.
વારાણસીથી ખેડૂતોના ખાતામાં મોકલાયો હપ્તો
હકીકતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે હતા. સતત ત્રીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમનો પ્રથમ વારાણસીનો પ્રવાસ છે. આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કર્યો છે.
યોજનાની વિગત
વર્ષ 2019માં શરૂ થયેલી પીએમ-કિસાન એક ડાયરેક્ટ બેનિફિટ્ ટ્રાન્સફર પહેલ છે. તે હેઠળ લાભાર્થી કિસાનોને તેની નાણાકીય જરૂરીયાત પૂરી કરવા માટે ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયાની રકમ વર્ષે આપવામાં આવે છે. યોજનાની શરૂઆત બાદથી કેન્દ્રએ દેશભરમાં 11 કરોડથી વધુ ખેડૂતોને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ વિતરિત કરી છે.