ગુજરાત HC એ રાહુલ ગાંધીને ન આપી રાહત, હવે આગળ શું, છેલ્લો રસ્તો કયો?
Gujarat News: મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં તેમને થયેલી સજા વિરુદ્ધ અરજી કરી હતી જેને કોર્ટે આજે ફગાવી દીધી.ગુજરાત હાઈકોર્ટ દ્વારા જો રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજા પર રોક લાગી જાત તો તેનાથી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા બહાલ થવાનો રસ્તો ખુલી જાત.
Gujarat News: મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં તેમને થયેલી સજા વિરુદ્ધ અરજી કરી હતી જેને કોર્ટે આજે ફગાવી દીધી. કોંગ્રેસ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે રાહુલ ગાંધી હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે.
કોર્ટે શું કહ્યું
ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળેલી સજા પર રોક લગાવવા માટે દાખલ કરાયેલી અરજીને આજે ફગાવી દેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સુરતની નીચલી કોર્ટનો કોંગ્રેસ નેતાને દોષિત ઠેરવવાનો આદેશ 'ન્યાયસંગત,યોગ્ય અને કાયદેસર છે.'
સજા પર રોકથી શું થાત?
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જો રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજા પર રોક લાગી જાત તો તેનાથી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા બહાલ થવાનો રસ્તો ખુલી જાત, એટલે કે તેઓ ફરીથી લોકસભાના સભ્ય બની શકત, પણ હવે નહીં બની શકે.
હવે રાહુલ ગાંધી પાસે શું રસ્તો?
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે કહ્યું કે, અમારી સામે વધુ એક વિકલ્પ છે...સુપ્રીમ કોર્ટ. ચલો જોઈશું. કોંગ્રેસ પાર્ટી આ વિકલ્પ પણ અપનાવશે. વેણુગોપાલે ઉત્તરી કેરળના કોઝિકોડ જિલ્લામાં પાર્ટીના એક કાર્યક્રમને સંબોધતા આ વાત કરી. એટલે કે હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટિશન દાખલ કરી શકે છે. અત્રે જણાવવાનું કે, જો સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીની સજા પર રોક લગાવે તો તેમની સદસ્યતા ફરી બહાલ થઈ શકે છે. પરંતુ જો સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત ન મળી તો તેઓ 2024ની લોકસભા ચૂંટણી લડી શકશે નહીં.
શું છે આ મોદી સરનેમ કેસ
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટિપ્પણી કરી હતી, ત્યારબાદ મામલો બગડી ગયો. તેમણે કહ્યું હતું કે તમામ ચોરોની અટક મોદી જ કેમ હોય છે? આ ટિપ્પણીને લઈને વિધાયકે ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.
કઈ કલમ હેઠળ મળી સજા
મોદી સરનેમવાળી કમેન્ટ બાદ ગુજરાતમાં ભાજપના વિધાયક પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોદી સરનેમવાળા સમગ્ર સમાજની મજાક બનાવવાના આરોપ હેઠળ 2019માં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુરતની મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચના રોજ રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવતા બે વર્ષની સજા કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થઈ ગઈ. તેઓ 2019માં કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી જીત્યા હતા.
શું બોલ્યું ભાજપ
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યાં સુધી માનહાનિની વાત છે તો રાહુલ ગાંધી આદતથી અપરાધી છે. તેમણે કહ્યું કે અમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી તેમની દોષસિદ્ધિના ફેસલા પર રોક સંબંધિત અરજીને ફગાવવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube