બેંગ્લુરુ: કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (કેપીસીસી)ના નવા નિમાયેલા અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે બુધવારે કહ્યું કે જનતા દળ સેક્યુલર (જેડીએસ)ની સાથે સરકાર બનાવીને કોંગ્રેસે 'ત્યાગ' કર્યો છે. જેથી કરીને ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રને બચાવી શકાય. રાવે કહ્યું કે જેડીએસને 37 જ્યારે કોંગ્રેસને 80 વિધાનસભા બેઠકો મળી પરંતુ આમ છતાં તેમની પાર્ટીએ જેડીએસને સરકાર બનાવવામાં મદદ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે અમે નબળા છે એટલે કોંગ્રેસે આ પગલું નથી ભર્યું પરંતુ એટલા માટે કર્યું કારણ કે અમારો હેતુ અલગ છે. તેમણે એમ પણ કહ્યું કે મોદી ફરીથી સત્તામાં આવશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ પહેલીવાર પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા રાવે કહ્યું કે 'અમે ગઠબંધન સરકાર બનાવવા માટે  ત્યાગ કર્યો જેથી કરીને સંદેશ આપી શકીએ કે અમે સામાજિક ન્યાય, ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર બચાવવા માટે કયા પ્રકારના પ્રયત્નો કરીએ છીએ.'


નોંધનીય છે કે 12 મેના રોજ થયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોઈને સ્પષ્ટ બહુમત મળ્યો નહતો. ભાજપ 104 બેઠકો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી પરંતુ સરકાર બનાવવા માટે પુરતો બહુમત નહતો. ત્યારબાદ કોંગ્રેસે જેડીએસ સાથે મળીને સરકાર બનાવી અને મુખ્યમંત્રી પદ જેડીએસને અપાયું.


રાવે વધુમાં કહ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સત્તામાં પાછા ફરશે નહીં કારણ કે કર્ણાટક ઉપરાંત દક્ષિણ ભારતમાં ભાજપનો કોઈ આધાર નથી. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં પણ પરિસ્થિતિઓ ઝડપથી ભાજપ વિરુદ્ધ બદલાઈ રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બનવાની 100 ટકા શક્યતા છે અને રાહુલ ગાંધી વડાપ્રધાન તરીકે તેનું નેતૃત્વ કરશે.'


રાવે કહ્યું કે કોંગ્રેસ કર્ણાટકની તમામ 28 લોકસભા બેઠકો જીતવાની કોશિશ કરશે. જેથી કરીને રાહુલ ગાંધીની સ્થિતિ મજબુત બની શકે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે લોકસભા ચૂંટણી આગામી વર્ષે એપ્રિલમાં નહીં પરંતુ આ જ વર્ષે નવેમ્બરમાં થશે. તેમણે એવું પણ પૂર્વાનુંમાન કર્યું કે મોદી ફરીથી સત્તામાં આવશે નહીં અને રાહુલ ગાંધી દેશના આગામી વડાપ્રધાન બનશે.