મોહન ભાગવત બોલ્યા- ભારતમાં જન્મેલ તમામ વ્યક્તિ હિન્દુ, દેશ પરંપરાથી હિન્દુત્વવાદી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ પર મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, સંઘની નજરમાં 130 કરોડની વસ્તી હિન્દુ છે.
હૈદરાબાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સંઘ ભારતની તમામ 130 કરોડની જનતાને હિન્દુ સમાજ માને છે ભલે તે કોઈપણ ધર્મ અને સંસ્કૃતિના હોય. ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વિના, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને તેના વારસાનું સન્માન કરે છે, તે હિન્દુ છે અને આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે. તેમણે કહ્યું કે, સંપૂર્ણ સમાજ અમારો છે અને સંઘનો ઉદ્દેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ કરવાનો છે.
આરએસએસ પ્રમુખે કહ્યું, 'ભારત માતાના સપૂત, ભલે તો કોઈપણ ભાષા બોલે, ભલે ગમે તે વિસ્તારના હોય, કોઈપણ સ્વરૂપમાં પૂજા કરતા હોય કે કોઈપણ પ્રકારની પૂજામાં વિશ્વાસ ન કરતા હોય, એક હિન્દુ છે... આ સંબંધમાં, સંઘ માટે ભારતના તમામ 130 કરોડ લોકો હિન્દુ સમાજ છે.'
મોહન ભાગવતે કહ્યું કે, આરએસએસ બધાનો સ્વીકાર કરે છે, તેની વિશે સારૂ વિચારે છે અને તેને સારા માટે ઉચ્ચ સ્તર પર લઈ જવા ઈચ્છે છે. મોહન ભાગવત બુધવારે તેલંગણાના આરએસએસ સભ્યો તરફથી આયોજીત ત્રણ દિવસીય વિજય સંકલ્પ શિબિરમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યાં હતા.
મોહન ભાગવતે રવિન્દ્ર નાથ ટાગોરના એક નિબંધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અંગ્રેજ લોકોને મોટી આશા છે કે જેને હિન્દુ કહેવામાં આવે છે, બીજા લોકો છે જેને મુસલમાન કહેવામાં આવે છે. તે અરસપરસ લડશે અને ખતમ થઈ જશે. પરંતુ અંગ્રેજો યાદ રાખે આમ ક્યારેય થવાનું નથી. આવા સંઘર્ષોમાથી આ સમાજ ઉપાય શોધી લેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube