દિલ્હી: રાજેન્દ્રનગરના IAS કોચિંગ સેન્ટરમાં `બેદરકારીના પૂર`એ લીધો 3 UPSC વિદ્યાર્થીઓનો જીવ
સિવિલ સર્વિસની તૈયારી કરારા વિદ્યાર્થીઓ માટેનું કોચિંગનું હબ ગણાતા દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાંથી ખુબ જ ચિંતાજનક મામલો સામે આવ્યો છે. આ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા.
સિવિલ સર્વિસની તૈયારી કરારા વિદ્યાર્થીઓ માટેનું કોચિંગનું હબ ગણાતા દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાંથી ખુબ જ ચિંતાજનક મામલો સામે આવ્યો છે. આ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આ મામલે બે લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ થઈ રહી છે. આ ઘટના રાવ IAS કોચિંગ સેન્ટરમાં ઘટી. દિલ્હી સરકારે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટને શનિવારે સાંજે સાત વાગે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હોવાની સૂચના મળી હતી. ડિપાર્ટમેન્ટને કોલ કરવામાં આવ્યો હતો કે કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા છે અને અનેક વિદ્યાર્થીઓ ફસાયેલા છે. સ્થિતિની ગંભીરતા જોતા એનડીઆરએફની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. સ્થિતિ એવી હતી કે ડાઈવર્સે પાણીમાં ઉતરવું પડ્યું હતું.
કેવી રીતે ભરાયા પાણી
કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાઈબ્રેરી બનેલી છે. જેના કારણે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા. એવું કહેવાય છે કે વરસાદના કારણે અને પાણી નિકાસની સમસ્યાના કારણે અચાનક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ બેઝમેન્ટની અંદર 5થી 6 વિદ્યાર્થીઓ હતા જે IAS ની તૈયારી કરતા હતા. હાલ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ, દિલ્હી પોલીસના જવાન, વિધાયક દુર્ગેશ પાઠક, દિલ્હીના મેયર અને નવી દિલ્હીથી સાંસદ બાંસુરી સ્વરાજ ઘટનાસ્થળે હાજર છે. રેસ્ક્યૂ ઓપરેશન બાદ ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા. મૃતકોમાં 2 વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી છે.
આ ઘટનામાં જીવ ગુમાવનાર એક વિદ્યાર્થી નેવિન ડાલ્વિન કેરળનો રહીશ હતો. પરંતુ છેલ્લા છથી આઠ મહિનાથી દિલ્હીમાં રહેતો હતો. નેવિન પટેલ નગરમાં રહેતો હતો અને કોચિંગ સેન્ટરની લાઈબ્રેરીમાં વાંચન માટે ગયો હતો. તે જેએનયુથી પીએચડી કરતો હતો.
ડીસીપી (સેન્ટ્રલ દિલ્હી) એમ હર્ષવર્ધને ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શનિવારે સાંજે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવે એ મામલાની તપાસ થઈ રહી છે કે બેઝમેન્ટમાં પાણી આટલા જલદી કેવી રીતે ભરાઈ ગયા.
બીજી બાજુ દિલ્હીના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજનો દાવો છે કે નાળાની સફાઈ યોગ્ય રીતે ન થવાના કારણે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા. બાંસુરી સ્વરાજે દાવો કર્યો કે અઠવાડિયાથી વારંવાર અહીંના લોકો વિધાયક દુર્ગેશ પાઠકને નાળાની સફાઈ કરવાનું કહેતા હતા. પરંતુ તેમની વાતને અવગણવામાં આવી. તેમનણે કહ્યું કે અહીંનું પાણી જઈને બેઝમેન્ટમાં ભરાઈ ગયું.
ભાજપના નેતા આરપી સિંહે કહ્યું કે અહીં ડિસિલ્ટિંગનું કામ સમયસર થયું નહીં. જો ડિસિલ્ટિંગનું કામ સમય પર થઈ જાત તો આ દુર્ઘટના ન ઘટત. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર અને વિધાયકે જવાબ આપવો જોઈએ કે ડિસિલ્ટિંગનું કામ કેમ નથી થયું અને તેના પૈસા ક્યાં ગયા?
એનડીઆરએફની ટીમો રેસ્ક્યૂ વર્કમાં
રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે. બેઝમેન્ટમાં એટલું પાણી છે કે એનડીઆરએફની ટીમોએ ખુબ જદ્દોજહેમત કરવી પડી રહી છે. સતત કોશિશ થઈ રહી છે કે જેમ બને તેમ જલદી પાણી કાઢવામાં આવે.
શું કહ્યું દિલ્હી સરકારે
બીજી બાજુ આ મામલે દિલ્હી સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં સાંજે પડેલા ભારે વરસાદના કારણે એક દુર્ઘટનાના સમાચાર છે. રાજેન્દ્રનગરમાં એક કોચિંગ ઈન્સ્ટીટ્યૂટમાં બેઝમેન્ટમાં પાણી ભરાયાના સમાચાર છે. દિલ્હી ફાયર વિભાગ અને એનડીઆરએફ ઘટનાસ્થળે છે. દિલ્હીના મેયર અને સ્થાનિક વિધાયક પણ ત્યાં છે. આ ઘટના કેવી રીતે ઘટી તેના માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેમને છોડવામાં નહીં આવે.