મુંબઇ ફરી થશે તરબોળ, આગામી 48 કલાકમાં થશે ભારે વરસાદ, Skymetની ચેતવણી
કેરલમાં શરૂ થયેલ ચોમાસું દેશના અન્ય વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે ત્યારે મુંબઇને લઇને સ્કાયમેટ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવી દિલ્હી : ચોમાસું ઉતાવળા પગલે આવી રહ્યું છે. કેરલ સહિત દક્ષિણ ભારતમાં સક્રિય થયા બાદ ચોમાસું દેશના અન્ય વિસ્તારોમાં પણ આગળ વધી રહ્યું છે. મધ્ય ભારતની સાથોસાથ મુંબઇમાં પણ ચોમાસું આગામી 48 કલાકમાં દસ્તક દે એવી સંભાવના છે. હવામાનની જાણકારી આપનાર એજન્સી સ્કાયમેટ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી 48 કલાકમાં મુંબઇમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદથી મુંબઇ તરબોળ થવાની શક્યતા છે. સામાન્ય રીતે મુંબઇમાં 8થી10 જૂન દરમિયાન વરસાદ થતો હોય છે. પરંતુ આ વખતે આગળ ચાલી રહેલા ચોમાસાને પગલે બુધવારે રાતે મુંબઇમાં વરસાદ થઇ શકે એમ છે. (મુંબઇમાં મૂશળધાર વરસાદ, નાસિકમાં 3 બાળક સહિત પાંચના મોત)
ફરી તરબોળ થશે મુંબઇ
સ્કાયમેટની ચેતવણી અનુસાર મુંબઇ માટે આગામી 48 કલાક મહત્વના છે. અહીં મૂશળધાર વરસાદ થઇ શકે છે. જેનાથી જનજીવન પ્રભાવિત થઇ શકે એમ છે. સાથોસાથ એ પણ આશંકા જોવાઇ રહી છે કે, ત્રણ દિવસ સુધી સતત વરસાદ થવાની શક્યતા છે. જેને પગલે અહીં ટ્રેન સેવા સહિત વાહન વ્યવહારને ભારે અસર પડી શકે એમ છે. અહીં નોંધનિય છે કે, ગત વર્ષે પણ ભારે વરસાદને કારણે મુંબઇ તરબોળ થયું હતું. આ વખતે પણ એવી સ્થિતિ સર્જાય એવી શક્યતા જોવાઇ છે.
ઘરમાં જ રહેવા કરાઇ અપીલ
વરસાદની આગાહીને જોતાં મુંબઇના લોકો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. . હવામાન વિભાગ અને સ્કાયમેટ બંને એજન્સી દ્વારા આ વખતે મુંબઇમાં સારા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે સ્કાયમેટ દ્વારા આગામી 48 કલાકમાં મુંબઇના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે મુંબઇવાસીઓને આ દિવસોમાં ઘરમાં જ રહેવા માટે પણ ચેતાવણી આપવામાં આવી છે.
ગોવામાં પણ એલર્ટ
કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદ થવાની સંભાવના છે.