18 જુલાઇથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર, કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરશે વિપક્ષ
મોદી સરકારના આખરી ચોમાસું સત્રમાં ભારે હંગામો થવાના આસાર છે. વિપક્ષ આ સત્રમાં મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સંસદમાં વિપક્ષો પોતાની એકજૂથતા દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે
રવિન્દ્ર કુમાર / નવી દિલ્હી : મોદી સરકારના કાર્યકાળનું અંતિમ ચોમાસું સત્રનો આગામી 18મી જુલાઇથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. 10મી ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં વિપક્ષ મોદી સરકાર સામે કાશ્મીર મુદ્દે ઘેરાવ કરી શકે છે.
સંસદીય બાબતોની સંસદીય સમિતિ (સીસીપીએ)ની બેઠકમાં આ ચોમાસું સત્ર અંગે નિર્ણય લેવાયો છે. 18મી જુલાઇથી શરૂ થનાર આ સત્ર 10 ઓગસ્ટ સુધી ચાલશે. આ બેઠકમાં રાજનાથ સિંહ, અનંત કુમાર, રામ વિલાસ પાસવાન, થાવરચંદ ગેહલોત અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
હંગામો થવાના આસાર
મોદી સરકારના આખરી ચોમાસું સત્રમાં ભારે હંગામો થવાના આસાર છે. વિપક્ષ આ સત્રમાં મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સંસદમાં વિપક્ષો પોતાની એકજૂથતા દર્શાવવાનો પ્રયાસ કરી શકે છે. સાથોસાથ એ પણ સંદેશો આપવા પ્રયાસ કરાશે કે દેશમાં મોદી સરકાર સામે વિપક્ષો એક થઇ રહ્યા છે.
કાશ્મીર મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ
તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપી ગઠબંધનની સરકાર તૂટી પડતાં રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયા છે. ઉપરાંત કાશ્મીરની વણસી રહેલી સ્થિતિ મુદ્દે સંસદમાં સરકારને ઘેરવા વિપક્ષ દ્વારા પ્રયાસ કરાશે. કહેવાય છે કે, આ મુદ્દે વિપક્ષો એક થઇ ભાજપ સામે નિશાન સાધી શકે એમ છે.