વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ: મળવાપાત્ર ખેડૂતોને માર્ચના પહેલા સપ્તાહમાં મળશે આટલા રૂપિયા
લોકસભાની ચૂંટણી અગાઉ જ મોટાભાગના વર્ગોને ખુશ કરવાની કોશિશ હેઠળ નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે રજુ કરેલા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો, અને મજૂરો માટે અનેક લોભામણી જાહેરાતો કરી.
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી અગાઉ જ મોટાભાગના વર્ગોને ખુશ કરવાની કોશિશ હેઠળ નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે રજુ કરેલા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો, અને મજૂરો માટે અનેક લોભામણી જાહેરાતો કરી. સરકારે બે હેક્ટર સુધીની જમીન ખેડનારા ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયા કેશ આપવાની જાહેરાત કરી છે.
બે હેક્ટરની ખેતીલાયક જમીન ધરાવતા સીમાંત ખેડૂતોને વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (પીએ કિસાનઃ યોજના હેઠળ માર્ચ મહિનાની શરૂઆતમાં જ પહેલા હપ્તા તરીકે 2000 રૂપિયા આપવામાં આવશે. નાણામંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે સંસદમાં વર્ષ 2019-20નું વચગાળાનુ બજેટ રજુ કરતા ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ વર્ષમાં 3 હપ્તામાં 6000 રૂપિયા આપવાની જાહેરાત કરી. પ્રત્યેક હપ્તો 2000 રૂપિયાનો હશે.
નાણામંત્રીએ કહ્યું કે આ યોજના પહેલી ડિસેમ્બર 2018થી અમલી ગણાશે. નવી યોજના હેઠળ પહેલો હપ્તો ખેડૂતોને 2000 રૂપિયાનો માર્ચ સુધીમાં આપવામાં આવશે. આ યોજનાનો સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. આ યોજનામાં જો કે જમીન વગરના ખેડૂતોને સામેલ કરાયા નથી.
મીડિયાના સવાલોના જવાબમાં ગોયલે કહ્યું કે ફક્ત જમીન ધરાવતા ખેડૂતોનો જ રેકોર્ડ ઉપલબ્ધ છે. અન્ય અનેક યોજનાઓ છે. જેનો લાભ બીજાની જમીનમાં ખેતી કરનારા ખેડૂતોને મળશે. તેમણે કહ્યું કે મને પાક્કો વિશ્વાસ છે કે જેમની પાસે જમીન છે પરંતુ તેઓ ખેતી કરતા નથી તેઓ આ લાભ ખેતી કરનારા ખેડૂતોને આપશે. આ વર્ષ માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આગામી સમગ્ર નાણાકીય વર્ષમાં કિસાન સન્માન નિધિ યોજના માટે 75,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજુ કર્યા બાદ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ખેડૂતોને આપેલી રકમ ખૈરાત નથી પરંતુ તે દેશના 12 કરોડ અન્નદાતાનું સન્માન છે. વિપક્ષ પર નિશાન સાધતા ગોયલે કહ્યું કે એસી રૂમમાં બેસનારા લોકો જાણતા નથી કે 6000 રૂપિયા કેટલું મહત્વ ધરાવે છે. જો કે ઈન્ટરવ્યું દરમિયાન તેમણે સ્વીકાર્યું કે ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.
ગોયલે કહ્યું કે ખેડૂતો આ રકમનો ઉપયોગ દવા ખરીદવામાં, ખાતર-બીજ ખરીદવામાં કરી શકે છે. અગાઉ આવી કોઈ યોજના નહતી. પીએમ મોદીને ખેડૂતોની ખુબ ચિંતા છે. અગાઉની સરકારે ખેડૂતો અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી નથી. અમે ગામડાઓમાં વીજળી આપી અને ગ્રામીણ ભારત માટે આયુષ્યમાન યોજના લોન્ચ કરી.