આ છે દુનિયાના સૌથી ખતરનાક 10 ડ્રગ્સ, જાણો હસતી-ખેલતી જિંદગીને આ નશો કઈ રીતે કરી નાખે છે રમણભમણ!
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રગ્સ મળવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ક્યારે એમડી ડ્રગ્સ મળે છે તો ક્યારેક મેથાફેટામાઈન. આજે અમે તમને જણાવી શું કે સામાન્ય રીતે ડ્રગ્સના કેટલા પ્રકાર હોય છે અને તે કેવી રીતે નુકસાન કરે છે.
ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રગ્સ મળવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ક્યારે એમડી ડ્રગ્સ મળે છે તો ક્યારેક મેથાફેટામાઈન. આજે અમે તમને જણાવી શું કે સામાન્ય રીતે ડ્રગ્સના કેટલા પ્રકાર હોય છે અને તે કેવી રીતે નુકસાન કરે છે.
1. તમાકુ-
તમાકુ દુનિયાના દસ સૌથી ખતરનાક ડ્રગ્સમાંથી એક છે. સિગારેટ અને પાન મસાલાના સ્વરૂપમાં તેનું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. પરંતુ આ તમાકુ માનવ શરીરના સૌથી મહત્વના અંગો જેવા કે ગળા અને ફેફસાને અસર કરે છે. તમાકુની લત લાગે છે અને તે સ્ટ્રેસમાં રાહત આપતું હોવાથી લોકો તેનું વધારે સેવન કરે છે. એટલું જ નહીં સિગરેટના ધુમાડાથી પણ ખૂબ જ નુકસાન થઈ શકે છે. તમાકુથી કેન્સરનું પણ જોખમ છે.
2. આલ્કોહોલ-
આલ્કોહોલનો મોટા ભાગે પીણામાં ઉપયોગ થાય છે. આલ્કોહોલની લોકોને લત લાગી શકે છે. લોકો તણાવભરી સ્થિતિમાંથી રાહત મેળવવા કે ખુશીની લાગણી હોય ત્યારે આલ્કોહોલનું સેવન કરે છે. નિયત માત્રામાં આલ્કોહોલ લેવામાં આવે તો તે નુકસાન કરે છે. આલ્કોહોલના સેવનથી ચક્કર આવવા, બ્લેક આઉટ થઈ જવું જેવી અસર પણ થાય છે. સાથે જ સેવન કરનાર પોતાના હોશ ગુમાવે છે જેથી અકસ્માતનો ખતરો પણ રહે છે.
3. ફેન્ટાનીલ-
ફેન્ટાનીલનો ઉપયોગ દર્દશામક તરીકે થાય છે. મોર્ફિન કરતા 50 થી 100 ગણું અને હેરોઈન કરતા 50 ગણું વધારે પાવરફુલ હોય છે. ફેન્ટાનીલનો એક સમયે સારવાર માટે ઉપયોગ થતો હતો. તેનો સ્પ્રે અથવા ગોળીના રૂપમાં ઉપયોગ થાય છે. જો કે નિયત માત્રા કરતા વધુ ઉપયોગ ખતરારૂપ છે.
4. હેરોઈન-
રાજ્યમાંથી જે જથ્થો ઝડપાય છે તેમાં હેરોઈન મોટા પ્રમાણમાં હોય છે. તે બીજના રૂપમાં આવે છે. અને તેનું સેવન સફેદ પાવડરના રૂપમાં કરવામાં આવે છે. હેરોઈનની અસર જલ્દી થતી હોવાના કારણે તે જાણીતું છે. હેરોઈનની લત ઝડપથી લાગે છે જ્યારે તેનાથી છુટવું સરળ નથી. વધારે પડતા સેવનથી હોઠનો રંગ બદલાઈ શકે છે. શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે અને વ્યક્તિ કોમામાં જઈ શકે છે
5. કોકેઈન-
હેરોઈનની સાથે કોકેઈનનો પણ જાણીતું નામ છે. કોકેઈનનું સેવન કરવાથી શરીરમાં ડોપામાઈન રીલિઝ થાય છે. જેથી સેવન કરનારના રાહત મળે છે. પરંતુ તેના કારણે કાર્ડિયાક અરેસ્ટ, સ્ટ્રોક જેવી આડઅસરો પણ થાય છે. કોકેઈનનું સેવન કરનાર વજન ઘટી જવો, તણાવ વધવો, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો પણ સામનો કરે છે.
6. મેથાડોન-
મેથાડોન નાર્કોટિગ ડ્રગ્સમાં શેડ્યુલ ટુ ડ્રગ્સ છે. બીજા વિશ્વ યુદ્ધ વખતે મોર્ફિનની અછત થતા તેનો પેઈન કિલર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેથાડોનનો ઉપયોગ વિશેષજ્ઞોની દેખરેખ હેઠળ આજે પણ કેટલાક દેશોમાં કરવામાં આવે છે. હેરોઈનના કારણે થતા નુકસાનને અટકાવવા માટે ક્યારે મેથાડોનનો ઉપયોગ થાય છે પરંતુ તેની પણ આડઅસર થવાની શક્યતા રહેલી છે. મેથાડોનના વધુ ઉપયોગના કારણે હાઈ બીપી અને સભાનતા ગુમાવવા જેવી અસર થઈ શકે છે.
7. ઓક્સીકોડોન-
ઓક્સીકોડોન એક નાર્કોટિક ડ્રગ્સ છે. જેનો ઉપયોગ ઘણીવાર દવામાં કરવામાં આવે છે. માથાના દુખાવા સહિતની સમસ્યાઓમાં તેનો ઉપયોગ થાય છે. જો લાંબા સમય માટે તેનું સેવન કરવામાં આવે તો તેની લત લાગી શકે છે.
8. મોર્ફિન-
મોર્ફિન એક નાર્કોટિક ડ્રગ્સ છે. જેનો ઉપયોગ હૉસ્પિટલમાં દર્દશામક તરીકે થાય છે. તેને શ્વાસમાં લઈ શકાય છે, ઈન્જેક્શનમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મોર્ફિનના ઉપયોગથી ઊંઘ આવે છે અને તણાવના પ્રમાણમાં ઘટાડો થાય છે. જો મોર્ફિનને અન્ય ડ્રગ્સ સાથે લેવામાં આવે તો મૃત્યુ નોતરી શકે છે.
9. મેથાફેટામાઈન-
મેથાફેટામાઈન છેલ્લા કેટલાક વર્ષોથી જાણીતું થયેલું ડ્રગ્સ છે. જેની લત લાગવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. ઑવરડોઝના કારણે વ્યક્તિને મોતને ભેટી શકે છે. મેથાફેટામાઈનના સેવનના કારણે વજન ઘટવું, મૂડમાં વારંવાર ફેરફાર થવો, દાંત ખરાબ થવા જેવી આડઅસર પણ થાય છે.
10. અલ્પ્રાઝોલમ-
અલ્પ્રાઝોલમ માનસિક ચિંતા વિરોધી દવા છે. સ્ટ્રેસમાંથી રીલિફ મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. જો કે તેની ખૂબ જ નકારાત્મક અસરો જોવા મળી રહી છે. કેટલાક કિસ્સામાં આત્મહત્યા કરવાનો ઈરાદો ધરાવનાર વ્યક્તિ અંતિમ પગલું લેતા સમયે તેનો ઉપયોગ કરે છે. આ ડ્રગ્સનો ઉપયોગ દવામાં થાય છે પરંતુ તેનું વધારે પડતું સેવન સમસ્યા નોતરી શકે છે.