નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મેરઠમાં માણસાઈના ચીથરા ઉડતા જોવા મળ્યાં. અહીં એક  પુત્રના એવા કારસ્તાન સામે આવ્યા કે જાણીને તમારું લોહી કકળી ઉઠશે. પોતાની જ વયોવૃદ્ધ માતા (90 વર્ષ)ને ઘરની બહાર ઊભેલી ઓટોરિક્ષામાં સાંકળથી જકડી રાખી. આ માતા ગાત્રો થીજવી નાખે તેવી ઠંડીમાં ઓટોની પાછલી સીટ પર પાતળી ચાદર ઓઢીને પડી રહેતી હતી. પુત્ર અને પુત્રવધુએ તેમના પગ લોખંડની સાંકળથી બાંધી રાખ્યા હતાં. આ મામલો મેરઠ જિલ્લાના ખરખૌદાના લોહિયાનગરનો છે. ઘરવાળાઓનો આરોપ છે કે તેમની માતાની માનસિક સ્થિતિ બરાબર નથી. 90 વર્ષની આ વૃદ્ધાની પુત્રવધુએ મીડિયા સામે આવીને કહ્યું કે તેની સાસુને ભૂલવાની આદત છે, તે ભોજન ખાય છે પરંતુ ભૂલી જાય છે. ગમે ત્યારે ઘરની બહાર જતી રહે છે, બાળકો તેમને પથ્થર મારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રવધુનું કહેવું છે કે અમે લોકો ફક્ત દિવસમાં જ તેમને રિક્ષામાં સાંકળથી બાંધીને રાખીએ છીએ. રાતે તેમને ઘરની અંદર સૂવાડીએ છીએ. પુત્રવધુએ એમ પણ જણાવ્યું કે તેમને વધુ સમયથી આ રીતે રાખવામાં આવ્યાં નથી. છેલ્લા બે ત્રણ મહિનાથી જ તેમને સાંકળથી બાંધીને રિક્ષામાં રાખીએ છીએ. 


અત્રે જણાવવાનું કે આ વૃદ્ધ મહિલના પતિનું મોત થઈ ગયું છે. મળતી માહિતી મુજબ તેમના પતિ એક સરકારી કર્મચારી હતાં અને તેમનું પેન્શન પણ આવે છે. પરંતુ પેન્શન કોણ લઈ રહ્યું છે  અને તેનો આ મહિલા માટે શું ઉપયોગ થઈ રહ્યો હશે તે કહી શકાય નહીં. 90 વર્ષના આયુમાં જ્યાં માણસ માટે ભૂલવાની બીમારી સ્વાભાવિક છે ત્યાં આ ઉંમરમાં માણસને જો કોઈ વાત કરનાર ન મળે તો તે આજુબાજુ તેની સાથે વાત કરે તેવા માણસને શોધે છે. અનેકવાર તે આ મથામણમં કડવી અને ખરાબ વાતો પણ કરી નાખે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેને સાંકળથી બાંધીને આપણે એ સાબિત કરીએ કે તે માણસ પાગલ થઈ ગયો છે?



જે માતા તેના પુત્ર માટે જીવનભર દુ:ખ સહન કરે છે, વૃદ્ધાવસ્થામાં શું તે પોતાના પુત્ર પાસે આવી આશા કરે છે? મોહલ્લાના લોકોએ જ્યારે ઘરવાળાઓની આ હરકતની જાણકારી પોલીસને આપી. પોલીસે મહિલાને સાંકળોથી આઝાદ કરીને ઘરમાં રાખવા જણાવ્યું છે. મેરઠના એસપી સિટી માન સિંહ ચૌહાણે જણાવ્યું કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.