નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં આ મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે 16 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. એક દિવસ પહેલા જ કોંગ્રેસે 155 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, આ 16 બેઠકના ઉમેદવાર જાહેર કરાયા બાદ પણ ભોપાલ, ઈન્દોર સહિત અને મોટી બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા નથી. 


બુધનીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે કયો ઉમેદવાર ચૂંટણી લડશે તેના અંગે પણ હજુ કોંગ્રેસે કોઈ જાહેરાત કરી નથી.


16 ઉમેદવારોની યાદીમાં મોટાભાગની બેઠકો ચંબલ, ગ્વાલિર અને નિમાડ વિધાનસભા વિસ્તારની છે. 


ઉમેદવાર        વિધાનસભા બેઠક
રામનિવાસ રાવત    વિજયપુર
બૈજનાથ કુશવાહ    સબલગઢ
રાજેન્દ્ર ભારતી    દતિયા
સિદ્ધાર્થ લાડા        શિવપુરી
મહેન્દ્ર સિંહ યાદવ     કોલારસ
ચંદ્રપ્રકાશ અહિરવાર    ગુના
ગોપાલસિંહ ચૌહાણ    ચંદેરી
વિક્રમ સિંહ નટિરાજા    રાજનગર
કમલેશ્વર પ્રસાદ દ્વિવેદી    સીધી
રામભજન સાકેત    દેવસર
મનોજ માલવે    અમલા
મહેન્દ્ર સિંહ ચૌહાણ    નરેલા, ભોપાલ
ગોવર્ધન દાંગી    બ્વાવાર
મુકેશ પટેલ        અલીરાજપુર
વલસિંહ મેડા        પેટલાવદ


આ અગાઉ શનિવારે કોંગ્રેસ દ્વારા 155 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચોરીને ભોજપુર, પૂર્વ સાંસદ સજ્જન વર્માને સોનકક્ષ, વિજય લક્ષ્મીસાધોને મહેશ્વર, લક્ષ્મણસિંહ ને ચાચોડાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 


આ ઉપરાંત દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધનને તેમની પરંપરાગત બેઠક રાધૌગઢથી ટિકિટ આપવામાં આવી છે. 


કમલનાથ અને સિંધિયા છે મુખ્ય દાવેદાર
મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ 230 વિધાનસભા બેઠક માટે એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. આ બંને યાદીમાં મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ નથી. એવું કહેવા છે કે, જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ચૂંટણી જીતી લીધી તો આ બંને મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર છે. 


આ વખતે મધ્યપ્રદેશમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સળંગ ત્રણ ટર્મથી મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. મધ્યપ્રદેશ આમ તો ભાજપનો ગઢ છે, પરંતુ આ વખતે તેને એન્ટી ઈન્કમ્બન્સી અને વધતી જતી મોંઘવારી નડી શકે છે.