નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના મેરાથોન પ્રચારમાં લાગેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાની બીજી ચૂંટણી રેલી રીવામાં સંબોધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, આ તાનસેન અને બીરબલની ધરતી છે. હું આ પાવન ધરતીને નમન કરું છું. તેમણે જણાવ્યું કે, રીવાના સપના સાથે મારા સપના જોડાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ જણાવ્યું કે, 10 વર્ષ સુધી કેન્દ્રની રીમોટ કન્ટ્રોલવાળી મેડમજીની સરકારે મધ્યપ્રદેશનો વિકાસ રોકવાના દરેક શક્ય પ્રયાસ કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે, આ ચૂંટણી કોણ ધારાસભ્ય બને તેના માટે નથી, કોની સરકાર બને તેના માટે પણ નથી, આ ચૂંટણી તમારું નસીબ નક્કી કરવા માટે છે. 


મોદીએ જાહેરસભામાં જણાવ્યું કે, ભ્રષ્ટાચારને કારણે નોટબંધી લાગુ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે ઉધઈ લાગી જાય છે ત્યારે ઝેરી દવાનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે. વડા પ્રધાને જણાવ્યું કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી કોઈના નસીબનો નહીં પરંતુ તમારા નસીબનો નિર્ણય કરવા માટે છે. 


આ ચૂંટણીમાં તમારે નિર્ણય કરવાનો છે કે, તમારા નવયુવાન દીકરા-દીકરીઓ, જે અત્યારે ભણી રહ્યા છે તે જ્યારે ભણીને બહાર આવશે ત્યારે તેના માટે કેવું ભવિષ્ય હોવું જોઈએ તેનો નિર્ણય તમારે આજે કરવાનો છે. 


પીએમ મોદીએ જણાવ્યું કે, વોટ નાખતા પહેલા 55 વર્ષનું કોંગ્રેસનું શાસન અને 15 વર્ષનું ભાજપનું શાસન યાદ કરી લેજો. તમે એ દિવસો યાદ કરજો જ્યારે ઘરમાં વિજળી આવતી ન હતી, એ દિવસો યાદ કરજો, એ દિવસો કોંગ્રેસના હતા. એ દિવસો યાદ કરો જ્યારે કાચી સડક પર ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જતા સમયે ક્યારેક માતા મરી જતી હતી તો ક્યારેક બાળક મરી જતું હતું. એ કોંગ્રેસના દિવસો હતો. કોંગ્રેસના રાજમાં પાકડી સડક ન હતી કે વિજળી પણ ન હતી. 


મોદીએ જણાવ્યું કે, 'હવે દિલ્હીમાં એવી સરકાર છે, જે મધ્યપ્રદેશના લોકોનાં સપનાંને અનુકૂળ નિર્ણય લેવા માટે તત્પર રહે છે. મધ્યપ્રદેશનાં લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે મધ્યપ્રદેશની સરકારના ખભા સાથે ખભો મિલાવીને કામ કરી રહી છે.'