રાંચી/પટણા: ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોમની ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાજાકારણની પીચ પર નવી શરૂઆત કરી શકે છે. કહેવાય છે કે ક્રિકેટને અલવીદા કહીને તેઓ કેસરિયો  ધારણ કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને દાવો કર્યો છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના નેતાએ  કહ્યું કે આ અંગે તેમની સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. જો કે આ નિર્ણય એમ એસ ધોનીની નિવૃત્તિ બાદ જ લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા સંજય પાસવાને કહ્યું કે ધોની મારા મિત્ર છે. વર્લ્ડ ફેમસ ખેલાડી છે. આવામાં તેમના ભાજપમાં આવવા અંગે વાતચીત થઈ છે. નોંધનીય છેકે ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકસભા ચૂંટણી અગાઉ સંપર્ક ફોર સમર્થન અભિયાન દરમિયાન ધોની સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એવી અટકળો તેજ છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે. 


આ બાજુ ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ બહાર થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગે ફરી ચર્ચાઓ અને અટકળોએ જોર પકડ્યું છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રહેતા ધોની વિશે કહેવાય છે કે તેઓ ક્રિકેટને અલવીદા  કહીને ભાજપમાં સામેલ થઈ રાજકીય કારકિર્દી શરૂ કરશે. 


આ બધા વચ્ચે હાલ જો કે ઝારખંડના કોઈ નેતા ખુલીને કશું બોલતા નથી. ભાજપના એક નેતાએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે 'ધોનીનો ભાજપના અનેક નેતાઓ સાથે વ્યક્તિગત સંપર્ક છે. જો તેઓ ભાજપમાં સામેલ થાય તો તેમાં કોઈ મોટી વાત નથી. 'ધોનીની નિવૃત્તિ અને રાજકીય ઈનિંગ શરૂ થવાની અટકળો જ્યાં તેજ છે ત્યાં આ મુદ્દે જો કે ધોનીએ હજુ કશું જ કહ્યું નથી. 


કોઈ ક્રિકેટ ખેલાડી ભાજપમાં સામેલ થાય તેવું પહેલીવાર નહીં બને. હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર પણ ભાજપમાં જોડાયા છે અને પૂર્વી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. પૂર્વ ક્રિકેટ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુ પણ ભાજપમાં રહી ચૂક્યા છે. જો કે હાલ તેઓ કોંગ્રેસમાં છે અને પંજાબ સરકારમાં મંત્રી છે. આ અગાઉ  ક્રિકેટર ચેતન ચૌહાણ અને કીર્તિ આઝાદે પણ રમતને અલવીદા કરીને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે કરો ક્લિક...