મુંબઈ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મૂકાયા છે. હાલમાં જ ભિવંડીની કોર્ટમાં એક બદનક્ષીના મામલે હાજર થવું પડ્યું હતું ત્યાં હવે મહારાષ્ટ્ર બાળ અધિકાર સંરક્ષણ આયોગ (MSCPCR)એ તેમને સમન મોકલ્યું છે. આ સમન મહારાષ્ટ્રના જળગાંવમાં ગત સપ્તાહ સવર્ણ જાતિના કેટલાક લોકોએ કૂંવા પર ન્હાવા બાબતે ત્રણ દલિત બાળકોને નગ્ન કરીને પીટાઈ કરી ગામમાં ફેરવવા અંગેના વીડિયો શેર કરવા બાબતે હતી. રાહુલ ગાંધીએ આ વીડિયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો હતો. આયોગે પીડિત બાળકોની ઓળખ ઉજાગર કરવાને લઈને તેમને 10 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આ વીડિયોમાં સગીર બાળકોના ચહેરા સ્પષ્ટપણે જોઈ શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાજિક કાર્યકર્તા અમોલ જાધવે ફરિયાદ કર્યા બાદ આયોગના અધ્યક્ષ પ્રવીણ ધુગેએ આ મામલાને ગંભીરતાથી લીધો. જાધવે મંગળવારે આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસેને એક પત્ર લખ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે તેમને હજુ સુધી કોઈ સમન મળ્યો નથી. પરંતુ કઈ પણ બોલતા પહેલા તેઓ આ અંગે તપાસ કરશે.



સાવંતે કહ્યું કે વર્તમાન સરકાર દ્વારા આ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો આ એક પ્રયત્ન છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે વીડિયોની વાત થઈ રહી છે તે સોશિયલ મીડિયા પર પહેલેથી વાઈરલ છે અને તેને અપલોડ કરવો પોતાનામાં એક ગુનો છે. આયોગે કહ્યું કે ફરિયાદકર્તાએ રાહુલ ગાંધી દ્વારા 15 જૂનના રોજ ટ્વિટર પર વીડિયો અપલોડ થયા બાદ બાળ અપરાધ સંબંધિત કલમોમાં આ મામલો નોંધવાની માગણી કરી છે.


અત્રે જણાવવાનું કે જળગાંવમાં બે દલિત બાળકોને એક અન્ય જાતિના કૂંવા પર ન્હાવા બદલ પીટવામાં આવ્યાં હતાં અને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. તે સમયે સગીર બાળકો શરીર ઢાંકવા માટે પાંદડાનો સહારો લેતા જોવા મળ્યા હતાં. આ ઘટના સામે આવ્યાં બાદ રાહુલ ગાંધીએ 15 જૂનના રોજ આ બાળકોનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો અને ભાજપ તથા આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતાં.