Success Story of Gujarati Bilionare: મુકેશ અંબાણીના સંઘર્ષથી સફળતાના શિખરો સર કરવા સુધીની કહાની
Happy Birthday Mukesh Ambani: એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 64 વર્ષના થયા, ગુજરાતી ઉદ્યોગપતિના સાહસ, સંઘર્ષ અને સફળતાના શિખરો સર કરવાની કહાની જાણવા જેવી છે.
વિરલ પટેલ, અમદાવાદઃ મુકેશ અંબાણી ભારતની એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ જેણે ન માત્ર પોતાની વૈભવી જીવનશૈલીથી અન્યને પ્રભાવિત કર્યા છે પરંતું પોતાની આવડત અને કાર્યક્ષમતાના કારણે એક પછી એક સફળતા મેળવી.આજે દુનિયાભરના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં તેઓએ સ્થાન મેળવ્યું છે. એકસમયે ફોર્બ્સની યાદીમાં સૌથી ધનિક ઉદ્યોગપતિમાં અગ્રેસર રહેનાર મુકેશ અંબાણી પણ કાળા નાણાના વિવાદથી દૂર રહ્યા નથી.
મુકેશ અંબાણી કોણ?
મુકેશ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL) ચેરમેન, મેનેજિંગ ડિરેકટર અને સૌથી વધુ શેરધારક છે. ભારતના સફળ બિઝનેસમેન હોવાની સાથે તેઓ સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક છે. મુકેશ અંબાણી અનેક લોકોના આદર્શ છે. સફળ માણસના સંઘર્ષમાંથી ઘણું શીખવા મળે છે જેથી તેમને લાખો લોકો ફોલો કરતા હોય છે. મુકેશ અંબાણીની કેટલીક વાતો તેમને અન્ય બિઝનેસમેન કરતા અલગ રાખે છે. મોટાભાગના વ્યવસાયિકો કે વેપારીઓએ વિચાર્યું હશે કે તે એક દિવસ મુકેશ અંબાણી જેટલો ધનિક બનશે.
રિલાયન્સ અંબાણીના કર્તાહર્તા ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957ના દિવસે યમનમાં થયો. મુકેશ અંબાણી બાળપણથી મહત્વકાંક્ષી રહ્યા હતા. જાણે તેઓ બાળપણથી જાણતા હતા કે પોતાના પિતાના કાળોબારને કેવી રીતે ટોચ પર લઈ જવો. તમને જાણીને નવાઈ લાગશે કે આજના બિલિયોનર મુકેશ અંબાણીએ કોલેજનો અભ્યાસ છોડી દીધો હતો. મુકેશ અંબાણીએ મુંબઈમાં સ્કુલનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાં કેમેકિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. મુકેશ અંબાણી MBA કરવા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા. એક વર્ષમાં તેઓ અભ્યાસ છોડી ભારત પરત આવી ગયા.
મુકેશ અંબાણીનો સંઘર્ષ
વર્ષ 1981માં મુકેશ અંબાણી રિલાયન્સ ગૃપમાં સામેલ થયા. મુકેશ અંબાણીએ શરૂઆતમાં ટેક્સટાઈલથી પોલીએસ્ટર ફાઈબર અને પછે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવ્યું. ત્યારબાદ એક પછી એક સફળતાના શિખર મુકેશ અંબાણી સર કરતા ગયા. મુકેશ અંબાણીની ઉપલબ્ધિઓની વાત કરીએ તેઓએ વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરીની સ્થાપના જામનગરમાં કરી.26 બિલિયન ડૉલરમાં નિર્માણ પામેલી રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ, પાવર જનરેશન, પોર્ટની પણ હિસ્સેદારી છે.
અંબાણી ભાઈઓમાં પડી તકરાર
મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી મારફતે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી ત્યારબાદ વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ રિલાયન્સ ઈન્ફોકોમ ક્ષેત્રમાં પગ મૂક્યો. આ કંપનીને 31 જુલાઈ વર્ષ 2002માં રજિસ્ટર્ડ કરવામાં આવી. વર્ષ 2005માં બંને ભાઈ મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે તકરાર થઈ. ત્યારબાદ રિલાયન્સ ઈન્ફોકોમની જવાબદારી અનિલ અંબાણી પાસે આવી. ત્યારબાદ મુકેશ અંબાણીએ રિટેઈલ ક્ષેત્રમાં વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમાં જ સૌથી વધારે રોકાણ કર્યું.
ભારતના સૌથી વધુ ધનિક
આ વાત દરેક જાણે છે કે મુંબઈ ઈન્ડસ્ટ્રીના માલિક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કર્તાહર્તા મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક છે. આ સફળતા મેળવવા માટે મુકેશ અંબાણીએ વર્ષો સુધી મહેનત કરી. કહેવાય છે કે બંને અંબાણી ભાઈઓ અલગ ન થયા હોત તો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોત.
દુનિયાનું સૌથી મોટું ધર 'એન્ટિલિયા'
બિઝનેસમેન મુકેશ અંબાણી તેના ઘરના કારણે પણ વિશ્વવિખ્યાત છે. 27 માળ વાળી 'એન્ટિલિયા' દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં ટૉપ પર છે. ફોર્બ્સની યાદી મુજબ આ ઘરની કિંમત 63 કરોડ પાઉન્ડ એટલે કે 1 અરબ ડૉલર છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર આ વૈભવી મકાનમાં છ માળ સુધી તો માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. આ ઘરમાં સિનેમા થિયેટર, ત્રણ હેલિપેડ તથા અન્ય સુવિધાયુક્ત સુખ સુવિધાઓ છે. એન્ટિલિયામાં કામ કરવા માટે 600 કર્મચારીઓનો સ્ટાફ છે. એન્ટિલિયાની છત્ત પરથી સમુદ્રનો નજારો જોવા મળે છે. આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીને વૈભવી 27 માળના એન્ટિલિયાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. ધમકી મળવાના કારણે તેની સુરક્ષા વધારાઈ.
50 અરબ ડૉલર સંપત્તિના માલિક છે મુકેશ અંબાણી
આજે અંદાજે 50 અરબ ડૉલરની સંપત્તિ છે. મુકેશ અંબાણીનું માનવું છે કે મોટા સપના જ તમને મોટી સફળતા અપાવે છે. ઊંચા સપના જુઓ અને જ્યા સુધી પૂર્ણ ન થાય ત્યા સુધી આશા ન છોડો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube