મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહનું મંત્રી પદેથી રાજીનામુ, છેલ્લા દિવસે PM મોદીએ કરી પ્રશંસા
અલ્પસંખ્યક મામલાના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. પ્રધાનમંત્રી મોદીએ બુધવારે કેબિનેટની બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહના દેશ માટે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. સૂત્રો પ્રમાણે આજે કેબિનેટની બેઠક દરમિયાન પીએમ મોદીએ બંને મંત્રીઓની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે આ બંને કેન્દ્રીય મંત્રી રાજ્યસભાના સાંસદ હતા, જેનો કાર્યકાળ આવતીકાલે પૂરો થઈ રહ્યો છે. આરપીસી સિંહ જેડીયૂ તરફથી કેન્દ્રના મંત્રીમંડળમાં સામેલ હતા. નોંધનીય છે કે જેડીયૂએ આરપીસી સિંહ અને ભાજપે મુખ્તાર અબ્બાસ નકવીને રાજ્યસભાની યોજાયેલી ચૂંટણીમાં ટિકિટ આપી નહોતી.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ અત્યાર સુધી ન સરકારનું કોઈ નિવેદન સામે આવ્યું છે ન નકવીએ કોઈ પ્રતિક્રિયા આપી છે.
કેબિનેટની બેઠક બાદ નકવીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તે સામે આવ્યું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન નકવીની ભાવિ ભૂમિકાને લઈને ચર્ચા થઈ છે.
નકવીને ભાજપે પાછલા દિવસમાં યોજાયેલી રાજ્યસભાની દ્વિવાર્ષીક ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા નહોતા. ત્યારથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પાર્ટી તેમને નવી જવાબદારી આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube