મહારાષ્ટ્રમાં આજથી દેવેન્દ્રનું રાજ, ત્રીજીવાર મુખ્યમંત્રી પદે લીધા શપથ, શિંદે અને અજીત પવાર DyCM
મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે જાહેર થયેલા ચૂંટણી પરિણામ બાદ આખરે આજે નવી સરકાર બની ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ સીટો જીતનાર ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે.
મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. ફડણવીસ ત્રીજીવાર રાજ્યની કમાન સંભાળશે. મુંબઈના આઝાદ મેદાનમાં યોજાયેલા શપથ સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસે પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. તો તેમની સાથે શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા છે.
દેવેન્દ્ર ફડણવીસે લીધા શપથ
દેવેન્દ્ર ફડણસીવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લઈ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઘણા રાજ્યના મુખ્યમંત્રીઓની હાજરીમાં ફડણવીસે શપથ લીધા હતા.
એકનાથ શિંદેએ લીધા નાયબ મુખ્યમંત્રીના શપથ
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત શપથ સમારોહમાં શિંદેએ શપથ લીધા છે. મહત્વનું છે કે આ પહેલા શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા.
અજીત પવાર ફરી બન્યા નાયબ મુખ્યમંત્રી
અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. મહત્વનું છે કે અજીત પવાર એનસીપીનું નેતૃત્વ કરી રહ્યાં છે. મહાયુતિ સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ અજીત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતા.
મહારાષ્ટ્રમાં મહાયુતિને મળી હતી મહાજીત
મહાયુતિએ મહારાષ્ટ્રમાં એવું તોફાન મચાવ્યું કે તેણે 288માંથી 230 બેઠકો જીતી અને મહાવિકાસ આઘાડી માત્ર 46 બેઠકો પર જ સમેટાઈ ગઈ. મહાયુતિ ગઠબંધન MVA કરતાં લગભગ પાંચ ગણી બેઠકો જીતી ચૂક્યું છે. મતલબ કે મહારાષ્ટ્રમાં મહાયુતિનું વાવાઝોડું ફૂંકાયું છે અને એમવીએનો વિનાશ થઈ ગયો છે.