પ્રિયંકા ચતુર્વેદીની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપનાર વ્યક્તિ અમદાવાદથી ઝડપાયો
ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને તેમની પુત્રી સાથે બળાત્કાર કરવાની ધમકી આપી હતી.
અમદાવાદ/નવી દિલ્હીઃ કોંગ્રેક પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીને ટ્વીટર પર ગાળો અને ધમકી આપવાના મામલામાં પોલીસે અમદાવાદથી ગિરીશ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. મુંબઈ અને દિલ્હી પોલીસ ગિરીશને શોધતી હતી. બે જુલાઈએ પ્રિયંકા ચતુર્વેદીને મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ધમકીના સંબંધમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ પ્રમાણે એટગિરીશકે1605 નામના ટ્વીટર હેન્ડલ પરથી તેમની પુત્રીને બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવી. ટ્વીટ હેન્ડલ પર જય શ્રી રામ લખ્યું હતું. ફરિયાદના આધારે પોસ્કો એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે.
પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું હતું, ભગવાન રામના નામ પરથી ટ્વીટર હેન્ડલ ચલાવીને પહેલા તો મારૂ ખરાબ નિવેદન આપો છો, પછી મારી પુત્રી પર અભદ્ર ટિપ્પણી કરો છો. કંઇક શરમ કરો.. ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી મરો, બાકી ભગવાન રામ તમારા જેવા લોકોને પાઠ ભણાવશે.
પ્રિયંકાની ફરિયાદ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયે ત્રણ જુલાઈએ મુંબઈ પોલીસને કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
પોલીસે આરોપીની ધરપડક કર્યા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરીને રાજનાથ સિંહ સહિત તમામનો આભાર માન્યો છે. પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં લખ્યું, હું મુંબઈ પોલીસ અને દિલ્હી પોલીસનો આભાર માનું છું. વિશેષ રૂપથી આઈપીએસ મધુર વર્મા અને દિલ્હી પોલીસ કમિશનરનો આભાર. આ સિવાય યોગ્ય કાર્યવાહી માટે ગૃહ મંત્રાલય અને ગૃહ મંત્રી રાજનાથ સિંહનો આભાર.