Sonali Phogat Death Case: સોનાલી ફોગાટના મોતની ઘટનામાં ગોવા પોલીસે દાખલ કર્યો હત્યાનો કેસ
સોનાલી ફોગાટના મામલામાં ગોવા પોલીસે હત્યાની એફઆઈઆર દાખલ કરી છે. સોનાલીના પરિવારની ફરિયાદ પર 302ની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
પણજીઃ ભાજપની નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતના મામલામાં ગોવા પોલીસે હત્યાનો કેસ દાખલ કરી લીધો છે. પોલીસે ફોગાટના ભાઈની ફરિયાદ પર કેસમાં હત્યાની કલમ જોડી છે. પોલીસ અનુસાર હરિયાણાના હિસારની રહેવાસી ફોગાટને શંકાસ્પદ રૂપથી હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને મંગળવારની સવારે નોર્થ ગોવા જિલ્લાના અંજુનામાં સેન્ટ એન્થની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં તેને મૃત અવસ્થામાં લાવવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે અપ્રાકૃતિક મોતનો મામલો નોંધ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બુધવારે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થવાની હતી પરંતુ ફોગાટના ભાઈ રિંકૂ ઢાકાએ બુધવારે દાવો કર્યો કે તેની બહેનના બે સાથીઓએ તેની હત્યા કરી છે. ઢાકાએ કહ્યુ કે પરિવાર પોસ્ટમોર્ટમની મંજૂરી ત્યારે આપશે જ્યારે ગોવા પોલીસ બંને વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરશે.
આ પણ વાંચોઃ BJP Leader ના PA એ નશાની આડમાં દુષ્કર્મ આચરી બનાવ્યો વીડિયો! Sonali Phogat ના ભાઈનો આરોપ
ફોગાટની હત્યાનો આરોપ
ફોગાટના ભાઈ ઢાકાએ ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેની બહેનની બે સાથીઓએ હત્યા કરી છે. રિંકૂએ કહ્યુ કે મોતના થોડા સમય પહેલા ફોગાટે પોતાના માતા, બહેન અને દેર સાથે વાત કરી હતી. ત્યારે તે ડરેલી હતી અને પોતાના બે સહયોગીઓ વિરુદ્ધ ફરિયાદ કરી રહી હતી.
ઢાકાએ દાવો કર્યો કે તેની બહેનના મોત બાદ તેના હરિયાણા સ્થિત ફાર્મ હાઉસથી સીસીટીવી કેમેરા, લેપટોપ અને અન્ય મહત્વપૂર્ણ સામાન ગાયબ થઈ ગયો. ઢાકાએ પોલીસ ફરિયાદમાં તે પણ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા ફોગાટના એક સગયોગીએ તેના ભોજનમાં કંઈક ભેળવીને તેનું યૌન શોષણ કર્યું હતું અને બાદમાં તેને બ્લેકમેલ કરી. આ ફરિયાદ પર હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ Prophet Muhammad Row: પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરનાર ટી રાજા સિંહની અટકાયત
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે કહ્યુ કે રાજ્યની પોલીસ ફોગાટના મોતની વિસ્તારથી તપાસ કરી રહી છે. સાવંતે કહ્યુ કે ડોક્ટરો અને ગોવા પોલીસના ડીજીપી જસપાલ સિંહ અનુસાર એવું પ્રતીત થાય છે કે હાર્ટ એટેકને કારણે ફોગાટનું મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube