વક્ફ બોર્ડ સંશોધન બિલ અંગે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયેલું છે. હવે આવામાં બધાની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ પર ટકેલી છે. આ પાર્ટીઓ કેન્દ્રમાં મોદી સરકારની સાથે છે. પરંતુ શું વક્ફ બોર્ડ બિલ પર આ બંને એનડીએનું સમર્થન કરશે કે નહીં તેના પર હવે એક નિવેદન બાદ સવાલ ઊભો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ(AIMPLB)ના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ ગુરુવારે એક દાવો કર્યો કે મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓએ નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી છે જેમાં બંને નેતાઓએ ખાતરી અપાવી છે કે તેઓ વક્ફ સંશોધન બિલનો વિરોધ કરશે. 


જો પાસ થયું તો કરશું આંદોલન
રહમાનીએ એમ પણ કહ્યું કે કેન્દ્રએ આ બિલ પાછું ખેંચી લેવું જોઈએ અને જો આ બિલ સંસદમાં પાસ કરાવવા માટે રજૂ કરાયું તો તેના વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન કરાશે અને કાયદાના દાયરામાં રહીને દરેક લડાઈ લડાશે. પ્રેસ કોન્ફરન્સમાં રહમાની ઉપરાંત જમીયત ઉલેમા એ હિન્દના પ્રમુખ મૌલાના અરશદ મદની, જમાત એ ઈસ્લામી હિંદના અમીર સઆદતુલ્લાહ હુસૈની, મરકઝી જમીયત અહેલ હદીસના પ્રમુખ મૌલાના અસગર અલી ઈમામ મેહદી સલફી, પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહીમ મુજદ્દીદી અને પર્સનલ લો બોર્ડના પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઈલિયાસ હાજર હતા. 


બાકી નેતા આપશે સાથ?
જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું જેડીયુ અને ટીડીપીના નેતાઓ સાથે પણ મુલાકાત થઈ છે અને તેમનું શું વલણ છે તો રહેમાનીએ કહયું કે અમારી મુલાકાત અલગ અલગ વિપક્ષી દળોના નેતાઓ સાથે થઈ છે. ચંદ્રબાબુ નાયડુ સાથે પણ મુલાકાત થઈ છે અને તેમણે ખાતરી અપાવી છે કે તેઓ આ બિલનો વિરોધ કરશે. બુધવારે નીતિશકુમાર સાથે પણ મુલાકાત થઈ અને તેમણે પણ ખાતરી અપાવી છે કે તેઓ તેનો વિરોધ કરશે. તેજસ્વી યાદવ સાથે પણ મુલાકાત થઈ અને તેમણે પણ ભરોસો અપાવ્યો છે કે તેઓ આ બિલનો વિરોધ કરશે. 


પર્સનલ લો બોર્ડ ચીફના જણાવ્યાં મુજબ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વક્ફ પર સરકારને હાથ મૂકવા દેવામાં નહીં આવે. તેમનું કહેવું હતું કે અન્ય અનેક ધર્મનિરપેક્ષ પાર્ટીઓ અને એનડીએના સહયોગી પક્ષોએ પણ આ બિલનો વિરોધ કરવાની ખાતરી આપી છે. 


આ ન્યાય અને અન્યાયનો મુદ્દો છે?
નીતિશકુમાર અને નાયડુ સાથે મુલાકાત અંગે પૂછવામાં આવતા રહમાનીએ કહ્યું કે અમે આ અંગે વિસ્તારમાં જણાવી શકીશું નહીં. અમે તેમને મળી ચૂક્યા છીએ. આ કોઈ હિન્દુ મુસલમાનનો મુદ્દો નથી, આ ન્યાય અને અન્યાયનો મુદ્દો છે. આથી અમે ઈચ્છીએ છીએ કે ભાજપના સહયોગીઓ સહિત તમામ ધર્મનિરપેક્ષ દળો ન્યાય અને ધર્મનિરપેક્ષતાને ધ્યાનમાં રાખીને અમારું સમર્થન કરે. 


અત્રે જણાવવાનું કે આ પ્રેસ કોન્ફરન્સ એવા દિવસે થઈ કે જ્યારે વક્ફ સંશોધન બિલ સંબંધિત સંસદની સંયુક્ત સમિતિની પહેલી બેઠક થઈ. જમીયત પ્રમુખ અરશદ મદનીએ આરોપ લગાવ્યો કે આ મુદ્દો ફક્ત વક્ફનો જ નહીં પરંતુ આ મુદ્દો હિન્દુસ્તાનના બંધારણમાં અલ્પસંખ્યકોને અપાયેલી આઝાદી અંગે છે જેના વિરુદ્ધ હાલની સરકાર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આજની સરકાર અલ્પસંખ્યકો અને તેના ધર્મને સલામત રહેવા દેવા માંગતી નથી. સરકારે જે દ્રષ્ટિકોણ અપનાવેલો છે અમે તેનો વિરોધ કરીએ છીએ. દરેક અલ્પસંખ્યક વક્ફ મામલે એકજૂથ છે.