નવી દિલ્હી/આગરા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે (5 જુલાઈ)ના રોજ આગરા પહોંચ્યાં. અહીં ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ભાજપના કાર્યકર્તાઓની સાથે સાથે મુસ્લિમ મહિલાઓએ પણ ભાજપના અધ્યક્ષના કાફલા પર ગુલાબના ફૂલોની વર્ષા કરી. અમિત શાહનો કાફલો જેવો ફતેહબાદ રોડથી સૂરસદન માટે રવાના થયો તે દરમિયાન રસ્તામાં ટ્રિપલ તલાક પીડિત મહિલાઓએ શાહનું સ્વાગત કર્યું. 

 

મુસ્લિમ મહિલાઓએ પુષ્પ વર્ષા કરીને તેમની લાંબી ઉમરની દુઆ પણ કરી તથા પીએમ મોદી જિંદાબાદનાના નારા પણ લગાવ્યાં. મુસ્લિમ મહિલાઓનો પ્રેમ જોઈને અમિત શાહ મુસ્કુરાયા અને સાથે સાથે હાથ હલાવીને આભાર પણ માન્યો.  અમિત શાહના કાફલમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર હતાં. 


 

રાષ્ટ્રીય અધ્યક્ષ જેવા આગરા પહોંચ્યા કે ત્યાં ઠેર ઠેર ફૂલોની માળાઓ અને બેંડ બાજા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આકરો તાપ હોવા છતાં લોકોનો ઉત્સાહ ઓછો જણાતો નહતો. જેવો અમિત શાહનો કાફલો સરાય ખ્વાજા ચોકી પાસેથી પસાર થયો કે લોકોએ બેંડ બાજા અને ફૂલોથી તેમનું સ્વાગત કર્યું. પ્રતાપપુરામાં મહિલાઓ અને કાર્યકર્તાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું. અમિત શાહે અહીં પણ હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું તથા ઉત્કર્ષ વિલાસ હોટલ માટે નિકળી ગયા હતાં. 


ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે આગરામાં સીએમ, મંત્રીઓ, સંગઠન પદાધિકારીઓ, વિસ્તારકો અને ઉત્તર પ્રદેશ લોકસભા સમન્વય સમિતિના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વર્ષ 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં 2014થી સારું પરિણામ લાવવા પર મંથન કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ બેઠકમાં પશ્ચિમ પ્રાંત, વ્રજ પ્રાંત અને કાનપુર ક્ષેત્રના રણનીતિકારો તરફથી મહાગઠબંધનના પડકારને ગંભીરતાથી રજુ કરાયો હતો. બેઠકમાં વિપક્ષની એકજૂથતા ઉપર પણ મનોમંથન કરવામાં આવ્યું હતું.