નવી દિલ્હી : આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતાના અનેક ઉદાહરણો જોવા મળતા રહે છે. જેને કારણે નફરતને દૂર કરીને માનવતા મહેંકાવી શકાય. ત્યારે આવુ જ એક ઉદાહરણ યુપીના બુલંદશહેર જિલ્લાના જૈનપુર ગામમાં જોવા મળ્યું છે. આ ગામના લોકોએ મંદિરમાં નમાજ પઢાવીને હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની વધુ એક મિસાલ કાયમ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, બુલંદશહેરમાં શનિવારથી તબગીલી ઈજ્તેમાની શરૂઆત થઈ છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશવિદેશમાંથી લાખો મુસલમાન દરિયાપુર ગામમાં પહોંચ્યા છે. રવિવારે કેટલાક મુસ્લિમ જ્યારે જૈનપુર ગામમા શિવ મંદિર પાસે પહોંચ્યા તો જોહર (બપોર)ના નમાજની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ ઈજ્તેમામાં એટલી ભીડ હતી કે, આગળ સુધી જામ થયું હતું. લોકો ઈચ્છે તો પણ ઈજ્તેમાવાળી જગ્યા પર જઈને નમાજ પઢી શક્તા ન હતા. ત્યારે તે લોકોએ ગામના હિન્દુઓ પાસેથી મંદિર પરિસરમાં નમાજ પઢવાની પરમિશન માંગી હતી. તેથી ગામના પ્રધાને તેમને શિવ મંદિરના દરવાજા ખોલી આપ્યા હતા. 


ગામના પ્રધાન ગંગા પ્રસાદે જણાવ્યું કે, મુસલમાન ભાઈઓની તકલીફ સમજીને અમે લોકોએ તેમને મંદિરમા નમાજ પઢવાની પરમિશન આપી હતી. તેથી તાત્કાલિક નમાજ પઢતા પહેલા કરાતી વજુની રસ્મ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેટલા પણ લોકો હતા, તે બધાએ નમાજ પઢી હતી. તેમણે કહ્યું કે, આ બાબતથી દેશમાં ભાઈચારાનો સંદેશ જવો જોઈએ. મંદિર બધા માટે છે. ત્યાર બાદ તેમને પાણી પીવડાવીને રવાના કરાયા હતા. 


ઉલ્લેખનીય છે કે, બુલંદશહેરમાં ઈજ્તેમા માટે લાખો મુસલમાન પહોંચ્યા છે. લગભગ 10 જેટલા દેશોમાંથી લોકોએ હાજરી આપી હતી. જે માટે દરિયાપુર ગામ પાસે અસ્થાયી રોકાણની વ્યવસ્થા કરાઈ છે. 8 લાખ વર્ગ ફૂટ જગ્યામાં પંડાલ બનાવવામાં આવ્યા છે.