નવી દિલ્હીઃ મુઝફ્ફરપુરના સાંસદ અજય નિશાદે જિલ્લામાં 'ચમકી' તાવનાં કારણે થયેલા 134 બાળકોનાં મોતનો ઓળિયો-ઘોળિયો '4G' પર ઢોળ્યો છે. તેમણે કહ્યું કે, બિહારમાં 'એક્યુટ એન્સેફેલિટિસ સિન્ડ્રોમ' બિમારીથી બાળકોનાં મોતનું મુખ્ય 4G- ગાંવ, ગરમી, ગરીબી અને ગંદકી છે. ઉલ્લેખનીય છે કે, આ બિમારીથી અત્યાર સુધી મુઝફ્ફરપુરમાં 107, વૈશાલીમાં 12, સમસ્તીપુરમાં 5 અને મોતિહારી તથા પટનામાં 2 અને બેગુસરાયમાં 6 બાળકોનાં મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના મુઝફ્ફરપુરના સાંસદ અજય નિશાદે જણાવ્યું કે, "મૃત્યુનો આ આંકડો આપણે શૂન્ય પર લાવી શકીએ એમ છીએ. મારું માનવું છે કે આપણે 4G - ગાંવ, ગરમી, ગરીબી અને ગંદકી પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ અને તેના પર કામ કરવું જોઈએ. એક્યુટ એન્સેફિલિટિસ સિન્ડ્રોમ નામની આ બિમારી ઉપરોક્ત ચાર પરિબળો સાથે સંકળાયેલી હોય એવું જોવા મળી રહ્યું છે."


તેમણે વધુમાં કહ્યું કે, "આ બિમારીથી પીડિત જે દર્દીઓ આવી રહ્યા છે તેઓ અત્યંત ગરીબ છે, તેમાંથી મોટાભાગના પીડિતો પછાત જાતિ અને અન્ય પછાત જાતિ વર્ગના છે. તેમની જીવનશૈલી અત્યંત નિમ્ન કક્ષાની છે. તેમની આ જીવનશૈલીમાં સુધારો લાવવાની જરૂર છે. બાળક કેવા સંજોગોમાં બીમાર પડી શકે છે તેના અંગે આ પછાત વર્ગના લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે."


Video: મુઝફ્ફરપુરમાં નીતીશ કુમારનો વિરોધ, લોકોએ લગાવ્યા ‘હાય-હાય’ના નારા


બિહારમાં ગરમીના કારણે એકસાથે આટલા બધા બાળકોના મૃત્યુ પછી પણ મુખ્યમંત્રી નીતિશ કુમારના મૌન રહેવાના કારણે રાજકારણ ભારે ગરમાયું છે. મૃત્યુની ઘટના અંગે હોબાળો થયા પછી મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી નિતીશ કુમાર મુઝફ્ફપુર પહોંચ્યા ત્યારે અહીં તેમને સ્થાનિક લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એસકેએમસીએચ હોસ્પિટલની બહાર લોકોએ 'પાછા જાઓ... પાછા જાઓ...'ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમાર લગભગ બે અઠવાડિયા પછી પીડિત દર્દીઓના સંબંધીઓને મળવા પહોંચ્યા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા માટે અહીં કરો ક્લિક.....