ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતનો પર્વતીય પ્રદેશ, ખાસ કરીને હિમાલય પ્રદેશ, ત્યાનું આકર્ષક કુદરતી સૌંદર્ય તેમજ ત્યાનાં ઘણા રહસ્યો માટે જાણીતો છે. આ જ કારણ છે કે દેશ -વિદેશના લોકો અહીં કોઈ શોધખોળમાં અથવા હરવા-ફરવા માટે આવતા હોય છે. આજે અમે તમને હિમાચલ પ્રદેશના એક એવા રહસ્યમયી કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ઠંડીના દિવસોમાં જ્યારે બરફ પડતો હોય છે, ત્યારે પણ કુંડનું પાણી ઉકળતુ રહે છે. તો ચાલો જાણીએ આ કુંડ સાથે જોડાયેલી કહાની. ગુરુદ્વારા મણિકર્ણ સાહિબ- હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વહેતી પાર્વતી નદીના પાર્વતી ઘાટ પર સ્થિત ગુરુદ્વારા મણિકર્ણ સાહિબમાં આ રહસ્યમયી કુંડ આવેલ છે. માહિતી અનુસાર, કુંડ 1,760 મીટરની ઊંચાઈ પર આવેલ છે અને કુલ્લુના મુખ્ય શહેરથી કુંડ સુધીનું અંતર 35 કિમી હોવાનું કહેવાય છે. કુંડ સાથે સંકળાયેલી છે પૌરાણિક કથા- ગુરુદ્વારાના મણિકર્ણ નામ પાછળ એક દંતકથા જોડાયેલી છે. માન્યતા છે કે, આ ધાર્મિક સ્થળ પર ભગવાન શિવ અને માતા પાર્વતીએ 11 હજાર વર્ષ સુધી તપસ્યા કરી છે. જળક્રીડા દરમિયાન માતા પાર્વતીના કાનની બુટ્ટીમાંથી એક મણિ પાણીમાં પડી ગયો હતો. ભગવાન શિવે શિષ્યોને મણિ શોધવાનો આદેશ આપ્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. આ વાત પર ભગવાન શિવ ક્રોધિત થયા અને તેમણે ત્રીજુ નેત્ર ખોલ્યું. ત્રીજી આંખ ખુલતાની સાથે જ ત્યાં નૈના દેવી શક્તિ પ્રકટ થયા. તેમણે જણાવ્યું કે, મણિ પાતાળ લોકમાં શેષનાગ પાસે છે અને તેમણે એક એવી ફૂંકાર ભરી કે ત્યાં ગરમ પાણીની ધારા ફૂટી નીકળી. ગુરુ નાનકનું આગમન- એવુ માનવામાં આવે છે કે, આ પૌરાણિક સ્થળ પર એકવાર ગુરુ નાનક પોતાના પાંચ શિષ્યો સાથે પધાર્યા હતા. તેમણે લંગર માટે પોતાના એક શિષ્યને દાળ અને લોટ માગી લાવવા કહ્યું. સાથે જ એક પત્થર લાવવાનું કહ્યું. કહેવાય છે કે, શિષ્યએ જેવો પત્થર ઉપાડ્યો, ત્યાંથી ગરમ પાણીની ધાર વહેવા લાગી. એ દિવસથી ગરમ પાણીની ધાર નિરંતર વહી રહી છે અને ત્યાં એક કુંડ બની ગયો.   આ સ્થળ શિખોની સાથે સાથે હિંદુઓ માટે પણ એક ધાર્મિક સ્થળ બની ચૂક્યુ છે. અહીં શ્રદ્ધાળુઓનું આવાગમન ચાલુ રહે છે. આ ગરમ પાણીનો ઉપયોગ લંગર માટેના ચોખા ઉકાળવા માટે થાય છે. સાથે જ એવુ  માનવામાં આવે છે કે, આ પાણીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. રહેવા માટે છે ધર્મશાળા- અહીં શ્રદ્ધાળુઓને રહેવા માટે ધર્મશાળાની પણ વ્યવસ્થા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પછી તે હિંદૂ હોય કે શિખ અહીંની ધર્મશાળામાં રહી શકે છે. અહીં હિંદુ શ્રદ્ધાળુઓ શિવ મંદિરની પરિક્રમા કરે છે અને પવિત્ર કુંડમાં સ્નાન કરે છે.