જયપુરઃ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ બાદ હવે આખરે રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેનું નામ સામે આવી ગયું છે. જયપુરમાં યોજાયેલી ધારાસભ્યોની દળની બેઠકમાં ભજન લાલ શર્માને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે ભજન લાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી હશે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેનું તમામ ધારાસભ્યોએ સમર્થન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે નાયબ મુખ્યમંત્રીના નામની જાહેરાત
ભાજપે રાજસ્થાનમાં પણ બે નાયબ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. ભજન લાલ શર્મા મુખ્યમંત્રી બનશે. જ્યારે દિયા કુમારી અને પ્રેમ ચંદ્ર બૈરવા નાયબ મુખ્યમંત્રી હશે. એટલે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જેમ રાજસ્થાનમાં પણ ભાજપે બે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. જ્યારે વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.


રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજનાથ સિંહ, વિનોદ તાવડે  અને સરોજ પાન્ડેય પર્યવેક્ષક તરીકે પહોંચ્યા હતા. તેમણે જયપુર પહોંચીને વસુંધરા રાજે સાથે વન ટૂ વન બેઠક કરી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. આ બેઠક બાદ જયપુરમાં ભાજપના કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી હતી. 


ભાજપની મળી હતી બહુમતી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 115 સીટો જીતીને સત્તામાં વાપસી કરી હતી. જ્યારે કોંગ્રેસને 69 સીટો મળી હતી. આ સિવાય બહુજન સમાજવાદી પાર્ટીને બે સીટો મળી હતી. ભાજપે રાજસ્થાનની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવી સત્તામાં વાપસી કરી હતી.