નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકાર આજે સંસદમાં પોતાની સામેના પહેલા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ સાથે જ ચાર વર્ષમાં પહેલીવાર એવી સ્થિતિ આવશે કે આટલા મહત્વપૂર્ણ વિષય પર લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ દિવસમાં એક બીજા પર સીધા પ્રહારો કરશે. આ રીતે રાહુલ ગાંધીનો એ પડકાર પણ આજે પૂરો થશે જેમાં તેઓ હંમેશા કહ્યાં કરે છે કે વડાપ્રધાન મને સંસદમાં 15 મિનિટ બોલવાની તક આપે, તો તેઓ  તેમની બોલતી બંધ કરી દેશે. જો કે અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચામાં કોંગ્રેસને પોતાની વાત રજુ કરવા માટે લગભગ અડધો કલાક અને ભાજપને સાડા ત્રણ કલાકનો સમય મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ ભૂમિ સંપાદન બિલ, નોટબંધી, જીએસટી, અને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં બંને નેતાઓએ એક સાથે ભાગ લીધો છે. પરંતુ દર વખતે સંયોગ એવો રહ્યો છે કે જ્યારે રાહુલ બોલે તો વડાપ્રધાન તે દિવસ ન બોલ્યા હોય અને તેના પછીના દિવસે બોલ્યા હોય. જો કે એવી તકો અનેકવાર આવે છે જ્યારે એક નેતા બોલી રહ્યાં હોય અને બીજા નેતા સામે બેસીને તેમની વાત સાંભળતા હોય.


આ લોકતાંત્રિક જંગમાં અત્યાર સુધી બંને નેતાઓની ટીમે જોરદાર પાસ બનાવ્યાં છે અને બંને નેતાઓએ સટીક શોટ ગોલપોસ્ટ પર માર્યા છે. જો ચાર વર્ષના ટ્રેક રેકોર્ડને જોઈએ તો બંને નેતાઓના પ્રમુખ હુમલા આ પ્રકારે જોવા મળશે...


એપ્રિલ 2015


સૂટ બૂટની સરકાર વિરુદ્ધ સૂટકેસની સરકાર


સંસદના બજેટ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ મોદી સરકારને સૂટ બૂટની સરકાર ગણાવી હતી. હકીકતમાં આ અગાઉ 26 જાન્યુઆરીએ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગણતંત્ર દિવસ પરેડના મુખ્ય અતિથિ બન્યા તો તે કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ખુબ મોંઘો સૂટ પહેર્યો હતો. બાદમાં આ સૂટની હરાજી કરીને તેની રકમ સરકારી ખજાનામાં જમા કરી દેવાઈ હતી.


રાહુલના આ કટાક્ષનો જવાબ સંસદમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આપ્યો હતો. તેમણે કહ્યું કે સૂટ બૂટની સરકાર લૂંટની સરકાર  કરતા સારી છે. વડાપ્રધાને સંસદની બહાર તેનો જવાબ આપ્યો અને કહ્યું કે સૂટ બૂટની સરકાર સૂટકેસની સરકાર કરતા સારી છે.


માર્ચ 2016


ફેર એન્ડ લવલી યોજના વિરુદ્ધ ઉંમર વધે છે પણ સમજદારી વધતી નથી


નોટબંધી અગાઉ કેન્દ્ર સરકારે કાળું નાણું રાખનારા માટે નક્કી પેનલ્ટી સાથે પોતાની આવક જાહેર કરવાની યોજના પણ ચલાવી હતી. આ યોજના પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે મોદીજીની સરકાર ફેર એન્ડ લવલી યોજના લાવી છે. આ યોજના હેઠળ કાળું નાણું રાખનારા શેઠ પોતાની કાળી કમાણી ગોરી કરી નાખશે.


બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. કેટલાક લોકોની ઉંમર વધી જાય છે પરંતુ સમજદારી વધતી નથી. શું કરીએ એવું જ હોય છે, તેમાં કશું કરી શકાતું નથી.


જુલાઈ 2016


હર હર મોદી નહીં અરહર મોદી


રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે વડાપ્રધાનજી તમે ઉત્તર પ્રદેશમાં કહ્યું હતું કે મને વડાપ્રધાન ન બનાવો, ચોકીદાર બનાવો. હું દેશનો ચોકીદાર બનવા માંગુ છું. જમીનના મામલે ચોકીદારે 3 વાર ઓર્ડિનન્સ રાખ્યું, ખેડૂતોની જમીન પડાવવાની કોશિશ કરી. આ ચર્ચાને ખતમ કરતા રાહુલે કટાક્ષ કરતા કહ્યું હતું કે લોકો હવે હર હર મોદીની જગ્યાએ અરહર મોદી કહે છે. તેઓ અરહર (તુવેર)ની કિંમતો તરફ ઈશારો કરી રહ્યાં હતાં.


આ લડાઈમાં નવો અને આમને સામને અધ્યાય આજે લખાવવાનો છે. રાહુલ ગાંધી જે સતત માગણી કરી રહ્યાં હતાં આજે તે 15 મિનિટ હશે. વડાપ્રધાન પાસે પૂરેપૂરો સમય હશે કે તેઓ રાહુલના આરોપોને જડબાતોડ જવાબ આપે.