જમ્મુ-કાશ્મીરના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરવા PM મોદીએ કર્યો 5 ભાષાનો ઉપયોગ
વડાપ્રધાને જણાવ્યું કે, `આ પગલા સાથે અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના યુવાનોને મુખ્યધારામાં સામેલ કરીશું, સાથે જ તેમની કુશળતા અને પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે અસંખ્ય અવસર પ્રદાન કરીશું. તેનાથી ત્યાંની માળખાકીય સુવિધાઓમાં સુધારો થશે, વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, રોજગારની નવી તકો ઉભી થશે અને આંતરિક વિખવાદ સમાપ્ત થશે.`
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં પસાર થઈ ગયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના લોકો સમક્ષ પોતાની વાત પહોંચાડવા માટે આ વખતે એક અલગ પદ્ધતિ અપનાવી હતી. તેમણે 5 ભાષા- અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, પંજાબી અને લદ્દાખીમાં પોતાની વાત રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આ પાંચ ભાષા બોલવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ લખ્યું કે, "ઐતિહાસિક ક્ષણ, એક્તા અને અખંડતા માટે આખો દેશ એકજૂથ છે. જય હિંદ! આપણી સંસદીય લોકશાહી માટે આ એક ગૌરવની ક્ષણ છે, જ્યાં જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા ઐતિહાસિક બિલ ભારે સમર્થન સાથે પસાર કરવામાં આવ્યા છે.હું જમ્મુ-કાશ્મીરની બહેનો અને ભાઈઓના સાહસ અને જુસ્સાને સલામ કરું છું. વર્ષો સુધી કેટલાક સ્વાર્થી તત્વોએ ઈમોશનલ બ્લેકમેઈલિંગનું કામ કર્યું છે, લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને વિકાસને નજરઅંદાજ કર્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે એક નવી સવાર, એક શ્રેષ્ઠ ભવિષ્ય માટે તૈયાર છે."
જમ્મુ-કાશ્મીરઃ કલમ-370ની જોગવાઈઓને રદ્દ કરવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
J&K અને લદ્દાખના યુવાનોને મુખ્યધારામાં લાવીશું
વડાપ્રધાને જણાવ્યું કે, "આ પગલા સાથે અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના યુવાનોને મુખ્યધારામાં સામેલ કરીશું, સાથે જ તેમની કુશળતા અને પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે અસંખ્ય અવસર પ્રદાન કરીશું. તેનાથી ત્યાંની માળખાકીય સુવિધાઓમાં સુધારો થશે, વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, રોજગારની નવી તકો ઉભી થશે અને આંતરિક વિખવાદ સમાપ્ત થશે."
લદ્દાખને વિશેષ અભિનંદન
પીએમ મોદીએ કહ્યું કે, લદ્દાખના લોકોને વિશેષ અભિનંદન પાઠવું છું. મને એ વાતનો અનહદ આનંદ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની તેમની દાયકા જૂની માગ આજે પુરી થઈ છે. આ નિર્ણયથી લદ્દાખના વિકાસને અભૂતપૂર્વ બળ મળશે. લોકોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશહાલી આવશે.
અલવિદા સુષમાજીઃ 'હિન્દુસ્તાનની દીકરી' અનંત સફરે, પંચમહાભૂતમાં વિલિન
પીએમ મોદીએ કહ્યું કે, "આ ખરડા પસાર થવા દેશના અનેક મહાન નેતાઓને સાચી શ્રદ્ધાંજલિ છે. સરદાર પટેલ, જે દેશની એક્તા માટે સમર્પિત હતા, બાબાસાહેબ આંબેડકર, જેમના વિચાર સૌ સુધી પહોંચ્યા હતા, ડો. શ્યામા પ્રસાદ મુખરજી- જેમણે ભારતની એક્તા અને અખંડતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સંસદમાં જે રીતે વિવિધ પક્ષોએ પક્ષીય રાજકારણથી બહાર નિકળીને અને વૈચારિક મતભેદો દૂર કરીને સાર્થક ચર્ચા કરી, તેણે આપણી સંસદીય લોકશાહીની ગરીમા વધારવાનું કામ કર્યું છે. આથી હું તમામ સાંસદો, રાજકીય પક્ષો અને તેમના નેતાઓને અભિનંદન પાઠવું છું."
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને લોકસભામાં 370 વિરુદ્ધ 70 સાથે, જ્યારે રાજ્યસભામાં 125 વિરુદ્ધ 61 વોટ સાથે પસાર થઈ ગયું હતું. આ બિલ પસાર થવાની સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ દેશના બે નવા કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.
જૂઓ LIVE TV....