Parliament Session 2024: વિકસિત ભારતના લક્ષ્યાંક સાથે 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂઃ 18મી લોકસભા સંસદ સત્ર અગાઉ PM મોદીએ સંબોધન કર્યું. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, – ત્રીજી ટર્મમાં ત્રણ ગણી વધુ મહેનત કરીશું... નવી સરકારની રચના બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર (Parliament Session) આજથી (24 જૂન)થી શરૂ થઈ રહ્યું છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ મંત્રીઓ સાંસદ તરીકે શપથ લીધાં. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને સદનની અંદર સાંસદ તરીકે શપથ લેવડાવ્યા. પીએમ મોદી બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ ક્રમશ ચૂંટાયેલાં સાંસદ તરીકે અને સદનના સભ્ય તરીકેના શપથ લીધાં. તે પછી મંત્રી પરિષદના અન્ય સભ્યોએ સાંસદ તરીકે શપથ લીધાં. આજથી શરૂ થયેલું સંસદનું પ્રથમ સત્ર છેક 3 જુલાઈ સુધી ચાલશે. આ મુજબ આમ આ સત્ર કુલ 10 દિવસ ચાલશે, જેમાં 8 મહત્ત્વની બેઠકો કરવામાં આવશે.
 



 


લોકસભાના પ્રથમ સત્રમાં શું થશે?
18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. આ સમય દરમિયાન શું થશે.


લોકસભાના અધ્યક્ષની ચૂંટણીઃ લોકસભાના નવા અધ્યક્ષની ચૂંટણી સત્રના પ્રથમ ત્રણ દિવસમાં યોજાશે.


નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિઃ લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો 24 અને 26 જૂનની વચ્ચે શપથ લેશે.


રાષ્ટ્રપતિનું સંબોધનઃ 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે અને નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરશે.


રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા: સંબોધન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદની રજૂઆત કરે તેવી અપેક્ષા છે.


આભાર પ્રસ્તાવ પર ચર્ચાઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં વિરોધ પક્ષો આક્રમક વલણ અપનાવી શકે છે.
 



 


નવી સંસદમાં એન્ટ્રી સાથે જ PM મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18મી લોકસભા સત્ર પહેલા કહ્યું કે , સંસદીય લોકશાહીમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. આઝાદી બાદ પ્રથમ વખત નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ નવા સંસદ ભવનમાં થઈ રહી છે. આ મહત્વપૂર્ણ દિવસે, હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું. તેમણે એમ પણ કહ્યું કે અમે બધાને સાથે લઈ જવા માંગીએ છીએ. દેશ ચલાવવા માટે સંમતિ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે ત્રીજી વખત દેશની જનતાએ અમને ચૂંટ્યા છે. અમારા હેતુઓ અને નીતિઓને મંજૂરી આપવામાં આવી છે.


2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે 18મી લોકસભા શરુ : PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 18મી લોકસભા આજે ‘શ્રેષ્ઠ ભારત’, ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પ સાથે શરૂ થઈ રહી છે. સંસદની આ રચના ભારતના સામાન્ય માણસના સંકલ્પોને પૂર્ણ કરવા માટે છે. નવી ઊંચાઈ, નવી ઝડપ અને નવો ઉત્સાહ હાંસલ કરવાની આ તક છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે 18મી લોકસભા આજથી શરૂ થઈ રહી છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે વિશ્વની સૌથી મોટી ચૂંટણી ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ . 65 કરોડથી વધુ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો.


વિપક્ષનું વલણઃ
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ઈન્ડિયા ગઠબંધન આક્રમક રહેશે. વિપક્ષ NDA સરકારને ઘણા મુદ્દાઓ પર ઘેરવાનો પ્રયાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે.