બાપરે...દિલ્લીની દશા બેઠી! 41 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક વરસાદ, મંત્રી-સંત્રીની રજાઓ રદ્દ
Delhi Rain: રાજધાની દિલ્લીની દશા બેઠી છે. આકાશી આફતને કારણે દિલ્લીના રસ્તાઓ હાલ નદીઓમાં ફેરવાઈ ગયા છે. પબ્લિક પિસાઈ રહી છે. દિલ્લીના સીએમ કેજરીવાલે પરિસ્થિતિને જોતા અધિકારીઓની રજાઓ રદ્દ કરી છે. અને મહત્ત્વની સુચના પણ આપી છે.
Delhi Rain Updates: ભારે વરસાદને પગલે દિલ્લીની દશા બેઠી છે. સતત પડી રહેલાં ધોધમાર વરસાદને કારણે હાલ દિલ્લીના તમામ રસ્તાઓ જાણી નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. દિલ્હીમાં 41 વર્ષ બાદ થયેલા રેકોર્ડ વરસાદે સમગ્ર સિસ્ટમને ખોરવી નાખી છે. સર્વત્ર પાણી છે. શેરીઓથી લઈને રસ્તાઓ અને અંડરપાસ સુધી પાણી ભરાયા છે. આ પછી સીએમ અરવિંદ કેજરીવાલે પરિસ્થિતિને સંભાળવા માટે મોટો નિર્ણય લીધો છે.
રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે 8.30 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકના ગાળામાં 153 મીમી વરસાદ નોંધાયો હતો. 1982 થી, આ વરસાદ અહીં જુલાઈમાં એક જ દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને ચોમાસાના પવનોને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થયો હતો અને દિલ્હીમાં સિઝનનો પ્રથમ 'અતિ ભારે વરસાદ' નોંધાયો હતો. મુશળધાર વરસાદને કારણે જ્યારે 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો ત્યારે દિલ્હી ક્યાંક 'ટાપુ' તો ક્યાંક 'નદી' જેવું લાગતું હતું. શેરીઓથી લઈને રસ્તાઓ, બજારો, હોસ્પિટલો અને અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી પ્રભાવિત થયા હતા. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રતિકૂળ સંજોગોમાં સ્થિતિને સંભાળવા માટે મોટો નિર્ણય લીધો છે.
દિલ્હીમાં મંત્રીઓ અને અધિકારીઓની રજાઓ રદ્દ-
સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને તાત્કાલિક રાહત આપવા માટે રવિવારની રજા રદ કરીને સ્થળ પર નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના તમામ મંત્રીઓ અને મેયર સમસ્યાવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને ફિલ્ડમાં રહીને વ્યવસ્થા સુધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સીએમ કેજરીવાલે પોતાના ટ્વીટમાં લખ્યું, 'ચોમાસાની સીઝનના કુલ વરસાદના 15% વરસાદ માત્ર 12 કલાકમાં થયો. પાણી ભરાવાના કારણે લોકો ભારે પરેશાન થયા હતા. આજે દિલ્હીના તમામ મંત્રીઓ અને મેયર સમસ્યાવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરશે. તમામ વિભાગના અધિકારીઓને રવિવારની રજા રદ કરીને મેદાનમાં ઉતરવા સૂચના આપવામાં આવી છે.
શાળાની દીવાલ ધરાશાયી - યલો એલર્ટ જારી
શ્રીનિવાસપુરીમાં શાળાની દિવાલ ધરાશાયી થઈ છે. દિલ્હીને અડીને આવેલ ગુડગાંવ અને નજીકના અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયા છે. હવામાન વિભાગે દિલ્હીમાં મધ્યમ વરસાદની આગાહી કરતા 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. આગામી બે દિવસ સતત વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રિજ, લોધી રોડ અને દિલ્હી યુનિવર્સિટીના હવામાન કેન્દ્રો પર અનુક્રમે 134.5 મીમી, 123.4 મીમી અને 118 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર દિલ્હીની દયનીય તસવીરો-
ભારે વરસાદને કારણે શહેરના અનેક મેદાનો, અંડરપાસ, બજારો અને હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ ભારે જામ થઈ ગયા હતા. શેરીઓમાં ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થતા લોકોના ચિત્રો અને વીડિયો સોશિયલ મીડિયા ફોરમ પર વાયરલ થયા હતા, જે શહેરના ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે અનેક પ્રશ્નો ઉભા કરે છે. તે જ સમયે, ભારે પવન અને વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી.
યુદ્ધના ધોરણે કામ-
સરકાર સંપૂર્ણ મેન પાવર સાથે પરિસ્થિતિનો સામનો કરવા મેદાનમાં ઉતરી છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 મીમીથી ઓછો વરસાદ 'હળવા', 15 મીમીથી 64.5 મીમી 'મધ્યમ', 64.5 મીમીથી 115.5 મીમી 'ભારે' અને 115.6 મીમીથી 204.4 મીમીની શ્રેણીમાં આવે છે. ખૂબ ભારે' છે. તે જ સમયે, જ્યારે 204.4 મીમીથી વધુ વરસાદ નોંધવામાં આવે છે, ત્યારે તેને 'અતિ ભારે' વરસાદની શ્રેણીમાં રાખવામાં આવે છે.