લો બોલો...કોંગ્રેસના `ફાયરબ્રાન્ડ` નેતા સિદ્ધુના ટ્વિટર લિસ્ટમાં `આ` ખાસ પરિવારનું કોઈ જ નથી
ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહથી પાછા ફરેલા પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયાં.
નવી દિલ્હી: ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહથી પાછા ફરેલા પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ આવતાની સાથે જ વિવાદોમાં ઘેરાઈ ગયાં. જો કે સિદ્ધુ પોતે આ પ્રવાસને ખટ્ટી મીઠી યાદોનો પ્રવાસ ગણાવી રહ્યાં છે. તેમના આ પ્રવાસ પર અનેક પ્રકારના સવાલો કરવામાં આવ્યાં છે. ખુદ કોંગ્રેસના નેતાઓએ પણ તેમના પર સવાલ ઉઠાવ્યાં છે. ટ્વિટર પર યૂઝર્સે જબરદસ્ત ટ્રોલ કર્યાં. ત્યારબાદ સિદ્ધુએ પોતે મીડિયામાં આવીને સ્પષ્ટીકરણ આપ્યું. સિદ્ધુ ટ્વિટર પર @sherryontopp પર એક્ટિવ રહે છે.
નવજોત સિંહ સિદ્ધુ પોતાના પ્રશંસકો વચ્ચે ખુબ ચર્ચામાં રહે છે. ટ્વિટર પર તેમના 3,92,000 ફોલોઆર છે. પરંતુ તેઓ ફક્ત 45 લોકોને જ ફોલો કરે છે. જેમાં અનેક દેશી વિદેશી નેતાઓ છે. સાથે સાથે ક્રિકેટ જગતની વિખ્યાત હસ્તીઓ છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ 45 લોકોમાં ગાંધી પરિવારનું કોઈ નથી.
નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસ અગાઉ ભાજપમાં સામેલ હતાં. ભાજપમાં મતભેદો ઊભા થતા તેઓ કોંગ્રેસમાં ગઆ અને પંજાબમાં ચૂંટણી બાદ કેબિનેટ મંત્રી બન્યાં. ટ્વિટર પર જે 45 લોકોને તેઓ ફોલો કરે છે તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ તેઓ ફોલો કરે છે.
કોંગ્રેસના નેતાઓમાં સિદ્ધુ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ ક્રિકેટર અને ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી કોંગ્રેસના સાંસદ મોહમ્મદ અઝહરૂદ્દીનને ફોલો કરે છે પરંતુ તેઓ ગાંધી પરિવાર એટલે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને ફોલો કરતા નથી.
ક્રિકેટ જગતની અનેક હસ્તીઓને તેઓ ફોલો કરે છે. જેમાં આઈસીસી, કપિલ દેવ, સચિન તેંડુલકર, હરભજન સિંહ, સૌરવ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન, રોહિત શર્મા, ઉમેશ યાદવ, ચેતેશ્વર પૂજારા, ભુવનેશ્વર કુમાર, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની, વીરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, યુવરાજસિંહ અને વિરાટ કોહલી સાથે કેવિન પીટરસન, ડેલ સ્ટેન, શેન વોર્ન, એબી ડિવિલિયર્સ, ક્રિસ ગેઈલને ફોલો કરે છે.
આ ઉપરાંત પણ તેઓ અનેક ફિલ્મી હસ્તીઓને પણ ફોલો કરે છે. જેમાં અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, અજય દેવગણ, ઋતિક રોશન, આમિર ખાન, પ્રિયંકા ચોપરા, જેવી અનેક હસ્તીઓ સામેલ છે. જો કે 15 જાન્યુઆરી 2017ના રોજ તેમણે પોતાની અને રાહુલ ગાંધીની એક તસવીરને વોલ પર પોસ્ટ કરી છે.