નવી દિલ્લીઃ નવરાત્રીનાં ચોથા દિવસે માં દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હતો અને સૃષ્ટિ સંપૂર્ણ શૂન્ય હતી, ત્યારે આદ્યશક્તિ માતા દુર્ગાએ ઉદર સ્વરૂપમાં બ્રહ્માંડની રચના કરી હતી. આ કારણે માતાજીનું ચોથું સ્વરૂપ કુષ્માંડા કહેવાયું. આ કારણે માતાને સૃષ્ટિની ‘આદ્યશક્તિ’ નામથી પણ ઓળખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવી કુષ્માંડાના સ્વરૂપ વિશે પુરાણમાં કહેવાયું છે કે, તેમને અષ્ટ ભુજા છે અને તેઓ સિંહ પર સવાર છે. માતા કુષ્માંડાના સાત હાથમાં ચક્ર, ગદા, ધનુષ, કમંડલુ (કમંડળ), અમૃતથી ભરેલું કળશ, બાણ અને કમળનું ફૂલ છે તથા આઠમાં હાથમાં જાપમાળા છે, જે તમામ પ્રકારની સિદ્ધિઓથી યુક્ત છે. સૂર્યના પ્રભામંડળની અંદર તેમનો નિવાસ માનવામાં આવ્યો છે. તેમનું મુખમંડળ પણ સૂર્યની જેમ દૈદીપ્યમાન રહે છે. આથી માનવામાં આવે છે કે, નવરાત્રિમાં તેમની પૂજા-અર્ચના કરવાથી સાધકને તેજની પ્રાપ્તિ થાય છે. એવી પણ માન્યતા છે કે, તેમના તેજને કારણે સાધકની તમામ વ્યાધિ નષ્ટ થઈ જાય છે અને બળ તથા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.


માતાજીના આ કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના નીચે આપેલા મંત્રથી કરવાથી ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય છે.
वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम्.
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्विनीम्॥
सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च. दधाना.
हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥
અર્થાત્ અમૃતથી ભરેલા કળશને ધારણ કરનારી અને કમળપુષ્પથી યુક્ત તેજોમય માં કુષ્માંડા અમને તમામ કાર્યોમાં શુભદાયી સિદ્ધ થાવ.