હવે 3 માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે નવાબ મલિક, સુનાવણી દરમિયાન કોર્ટે સ્વિકારી ED ની દલીલ
હાલમાં વિવાદોમાં રહેલા નવાબ મલિક હવે એક સપ્તાહ સુધી EDની કસ્ટડીમાં રહેશે. કોર્ટમાં સુનાવણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના હવાલેથી તેમના રાજીનામાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મુંબઈઃ હાલમાં વિવાદોમાં રહેલા નવાબ મલિક હવે એક સપ્તાહ સુધી EDની કસ્ટડીમાં રહેશે. કોર્ટમાં સુનાવણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના હવાલેથી તેમના રાજીનામાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમના રાજીનામા અંગેનો નિર્ણય NCP પ્રમુખ શરદ પવાર, ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, સીએમ ઉદ્ધવ ઠાકરેની બેઠક બાદ લેવામાં આવશે.
મલિક કોર્ટમાં હાજર
કોર્ટમાં હાજરી દરમિયાન નવાબ મલિકે દલીલ કરી હતી કે તેને સવારે જ ઘરમાંથી ઉપાડવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ નવાબ મલિકના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. નવાબ મલિક તેમની પુત્રી અને બહેનને કોર્ટની બહાર મળ્યા હતા. નવાબ ગાડીમાં બેઠા હતા. પુત્રી સના ખાન અને બહેન સૈદા ખાન નવાબ મલિકને મળ્યા હતા. કોર્ટમાં તેમની હાજરીના થોડા સમય પહેલા આ બેઠક થઈ હતી.
ED એ કરી ધરપકડ
તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે મુંબઈ અંડરવર્લ્ડની ગતિવિધિઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી. NCP નેતા નવાબ મલિકની સવારે ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ નવાબ મલિકે કહ્યું કે હું લડીશ, હું ડરતો નથી. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ નવાબ મલિકના રિમાન્ડની માંગણી કરી છે.
ન તો ડરશે અને ન ઝુકશેઃ મલિક
આ દરમિયાન નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું છે કે તે આ બધી બાબતોથી ડરશે નહીં કે ઝૂકશે નહીં! અહીં તેમણે 2024માં જોઇ લેવાની વાત પણ લખી હતી.
અંડરવર્લ્ડ સાથે સંબંધો!
EDએ 15 ફેબ્રુઆરીએ મુંબઈમાં દરોડા પાડ્યા પછી મલિકની પૂછપરછ કરવામાં આવી હતી અને અંડરવર્લ્ડ પ્રવૃત્તિઓ, કથિત ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને હવાલા વ્યવહારોના સંબંધમાં નવો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ મલિક સાથે પૂછપરછ કરવામાં આવી હતી.
સતત દરોડા
એજન્સીઓએ 10 સ્થળો પર રેડ પાડી હતી જેમાં 1993 બોમ્બ બ્લાસ્ટના મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહીમની દિવંગત બહેન હસીના પારકર, ભાઇ ઇકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરૈશી ઉર્ફે સલીમ ફ્રૂટના પરિસરમાં સામેલ છે. કાસકર પહેલાંથી જ જેલમાં છે જેને એજન્સીએ ગત અઠવાડિયે ધરપકડ કરી હતી. ઇડીએ પાર્કરના પુત્ર સાથે પૂછપરછ કરી હતી.
જાણો કોણ છે નવાબ મલિક?
• વરિષ્ઠ NCP નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન
• નવાબ મલિકને NCPનો મુસ્લિમ ચહેરો માનવામાં આવે છે
• 20 જૂન 1959ના રોજ ઉત્તર પ્રદેશના બલરામપુરમાં જન્મ થયો છે.
• નવાબ મલિકનો પરિવાર 1970માં મુંબઈમાં સ્થાયી થયો.
• મુંબઈની અંજુમન સ્કૂલમાંથી દસમાનો અભ્યાસ કર્યો.
• બુરહાની કોલેજમાંથી સ્નાતક થયા.
• નાના વ્યવસાયથી કારકિર્દીની શરૂઆત કરી.
• રાજકીય સફર સમાજવાદી પાર્ટીથી શરૂ થઈ.
• 1996માં મુંબઈમાં નેહરુ નગર બેઠક પરથી પેટાચૂંટણી જીતી.
• 1999માં નહેરુ નગર બેઠક પરથી ફરી જીત્યા.
• 2004માં સમાજવાદી પાર્ટી છોડીને શરદ પવારની પાર્ટી NCPમાં જોડાયા.
• 2004ની ચૂંટણીમાં નહેરુ નગર બેઠક પરથી જીતની હેટ્રિક નોંધાવી
• 2009માં અનુશક્તિ નગરથી ચૂંટણી લડી અને ચોથી વખત જીતી
• 2014ની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર સામે ઓછા માર્જિનથી હાર્યા
• 2019માં અનુશક્તિ નગરથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
• નવાબ મલિકને NCPના ક્વોટામાંથી લઘુમતી બાબતોના પ્રધાન બનાવવામાં આવ્યા હતા
• નવાબ મલિક ED દ્વારા ધરપકડ કરાયેલા બીજા NCP મંત્રી છે
• અગાઉ, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube