2019ની લોકસભા ચૂંટણી નહીં લડે શરદ પવાર, વિપક્ષને પડશે ફટકો!
આવ્હાડે એ વાતનો પણ ઈન્કાર કર્યો કે એનસીપી પ્રમુખે મવાલ લોકસભા સીટથી પાર્થ પવારની ઉમેદવારીનો વિરોધ કર્યો છે.
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર 2019 લોકસભા ચૂંટણી લડવાના નથી. પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે આજે આ જાણકારી આપી. પવારે પૂણે લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે તેવી અટકળો વચ્ચે આવ્હાડે જણાવ્યું કે પવારે 2014માં જ સ્પષ્ટ કરી દીધુ હતું કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં. મુંબઈ-કુર્લા એનસીપી ધારાસભ્યે કહ્યું કે "પવારે પાર્ટીને તેમના નામ પર વિચારણા ન કરવા જણાવ્યું કારણ કે તેઓ ઉમેદવાર બનશે નહીં. આજની બેઠકમાં પવારે કહ્યું કે તેઓ (લોકસભા ચૂંટણીની) દોડમાં નથી. કોઈએ પણ તેમનુ નામ રજુ કરવું જોઈએ નહીં."
આવ્હાડે એ વાતનો પણ ઈન્કાર કર્યો કે એનસીપી પ્રમુખે મવાલ લોકસભા સીટથી પાર્થ પવારની ઉમેદવારીનો વિરોધ કર્યો છે. પાર્થ પવાર વરિષ્ઠ નેતા અજિત પવારના પુત્ર છે. આવ્હાડે કહ્યું કે "પ્રારંભિક ચર્ચા ચાલુ છે. પાર્ટી કાર્યકર્તાઓની સાથે ચર્ચા બાદ નામને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે."
પૂર્વ કેન્દ્રીય મંત્રી પવાર પાર્ટીની રાજ્ય શાખાની ઓફિસમાં એનસીપીના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચર્ચા માટે છેલ્લા બે દિવસથી બેઠકો કરી રહ્યા છે. આ બેઠક શનિવારે સવારે શરૂ થઈ.
એક અન્ય ઘટનાક્રમમાં મહારાષ્ટ્રના એનસીપી પ્રમુખ સુનીલ તટકરેએ કહ્યું કે જો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાસ્કર જાધવ રાયગઢ સીટથી લોકસભા ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે તો તેઓ પોતે પાછળ હટી જશે. એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતચીતમાં રાજ્યની અડધી લોકસભા સીટો માંગી છે. મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે.