હિટ એન્ડ રન સંલગ્ન નવા કાયદાનો વિરોધ શરૂ થયો છે. દેશભરના ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટર્સે તેના વિરુદ્ધ હડતાળ શરૂ કરી છે. તેનું પરિણામ એ આવ્યું કે વર્ષના પહેલા જ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ જ દેશના અનેક રાજ્યોમાં જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત સર્જાવા લાગી. અનેક શહેરોમાં લોકો પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લગાવતા જોવા મળ્યા. લોકોને આશંકા છે કે જો હડતાળ લાંબી ખેંચાઈ તો આવનારા દિવસોમાં ડીઝલ  પેટ્રોલની કમી સૌથી પહેલા સર્જાઈ શકે છે. ટ્રક ડ્રાઈવરોની અપીલ છે કે આ કાયદાને પાછો ખેંચવામાં આવે. તેમણે તેને કાળો કાયદો ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશ પેટ્રોલિયમ એસોસિએશનના અધ્યક્ષ અજય સિંહનું કહેવું છે કે હિટ એન્ડ રન મામલાઓમાં નવો કાયદો  ફક્ત ટેંકરો કે ટ્રકો પર નહીં પણ તમામ વાહનો પર લાગૂ થશે. કેટલાક સ્થળોએ સમસ્યા છે અને લોકો ગભરાહટમાં ઈંધણ ભેગું કરવા માટે પરેશાન થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે રસ્તા પર જામના કારણે કેટલાક સ્થળો પર ઈંધણ ટેંકરો ફસાયેલી છે પરંતુ મોટાભાગના પેટ્રોલ પંપો પર પૂરતું પેટ્રોલ અને ડીઝલ છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની પરિવહન સમિતિના અધ્યક્ષ સીએલ મુકાતીએ જણાવ્યું કે હિટ એન્ડ રનના કેસોમાં સરકાર દ્વારા અચાનક રજૂ કરવામાં આવેલી કડક જોગવાઈઓને લઈને ચાલકોમાં આક્રોશ છે અને તેમની માંગણી છે કે આ જોગવાઈઓને પાછી લેવામાં આવે. 


શું છે નવો કાયદો?
હકીકતમાં આ નવા કાયદામાં કહેવામાં આવ્યું છે કે ઘાતક અને ભીષણ દુર્ઘટનાની સૂચના આપવા બદલ ગાડીના ડ્રાઈવરને 10 વર્ષની સજા થઈ શકે છે કે પછી 7 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ જોગવાઈ ભારતીય ન્યાય સંહિતામાં નવા કાયદામાં લાવવામાં આવી છે. તે પહેલા આઈપીસીની કલમ 304એ હેઠળ આવા કેસોમાં ફક્ત બે વર્ષની સજા થઈ શકે તેમ હતી. હવે તેના પર ટ્રક ડ્રાઈવરોનું કહેવું છે કે આ નવા કાયદાથી ટ્રક ડ્રાઈવરોમાં ડર પેદા થશે અને નવા લોકો આ કામમાં જોડાતા વિચાર કરશે. ટ્રક ડ્રાઈવરો ઉપરાંત રિક્ષા ચાલકો પણ તેની વિરુદ્ધમાં ઉતરી પડ્યા છે. 


ડ્રાઈવરોનું એમ પણ  કહેવું છે કે કોઈ પણ જાણી જોઈને દુર્ઘટના કરતું નથી. તેમને ડર છે કે જો તેઓ ઘાયલોની મદદ માટે રોકાય કે હોસ્પિટલ જાય તો ભીડ તેમની પીટાઈ કરી શકે છે. તેમણે એવી પણ આશંકા જતાવી છે કે જો ધુમ્મસ જેવી સ્થિતિના કારણે કોઈ દુર્ઘટના ઘટે તો ડ્રાઈવરને તેની  ભૂલ ન હોવા છતાં 10 વર્ષની સજા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે ભારતમાં દર વર્ષે 28 લાખથી વધુ ટ્રક 100 અબજ કિલોમીટરથી વધુ અંતર કાપે છે અને દેશભરમાં જરૂરી ચીજોનો સપ્લાય કરે છે. 


પહેલા જ દિવસે અપાર સમસ્યાઓ
તેમણે કહ્યું કે સરકારે હિટ એન્ડ રન કેસોમાં અન્ય દેશોની જેમ કડક જોગવાઈઓ લાવતા પહેલા સારા રસ્તાઓ અને પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સોમવારે દેશના અનેક રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોની આ હડતાળની અસર જોવા મળી અને ઠેર ઠેર જામ થયા. આ ત્રણ દિવસની હડતાળનો કાલે પહેલો દિવસ હતો અને પહેલા જ દિવસે અનેક સમસ્યાઓ સર્જાઈ. 


આજે ફરી બેઠક
2 જાન્યુઆરીના રોજ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ફરીથી બેઠક બોલાવી છે. પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળની આંશિક અસર જોવા મળી જેના કારણ લોકોને સમસ્યાઓ થઈ. કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામના પગલે ઓઈલ ટેંકરો ફસાઈ ગઈ અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી. જો કે સ્થાનિક પ્રશાસન સતત કોશિશ કરી રહ્યું છે કે ડીઝલ પેટ્રોલની અછત ન સર્જાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube