નવી દિલ્હી: સંસદમાં આજે 17મી લોકસભાનો નજારો ઘણો બદલાયેલો જોવા મળ્યો. કેટલાક નવા ચહેરા જોવા મળ્યાં તો કેટલાક શક્તિશાળી નેતાઓની ગેરહાજરી સાલી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચૂંટાયેલા નવા સાંસદોને આજે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યાં. લોકસભામાં મોદીના શપથગ્રહણ દરમિયાન ભાજપના સાંસદો જોશમાં 'મોદી મોદી' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળ્યાં. આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સદનમાં પહેલા જ દિવસે ગેરહાજર જોવા મળ્યાં. જેના લીધે અનેક સવાલો પણ ઊભા થયાં. સદનની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ રાહુલ ગાંધી દિલ્હી પાછા ફર્યા હતાં. કહેવાય છે કે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી લંડન હતાં. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા પરંતુ કેરળના વાયનાડથી ચૂંટાઈ આવ્યાં છે. 


શપથ ગ્રહણની સાથે જ અનેક નવા ચહેરાઓ સામેલ થયા અને તેમની નવી જગ્યાએ બધાનું ધ્યાન ખેંચ્યું. અમિત શાહને ગૃહ મંત્રી બનાવ્યાં બાદ એવી પણ અટકળો હતી કે શાહને જ સરકારમાં નંબર 2નો દરજ્જો મળી શકે છે. જો કે આ અટકળો પર વિરામ લાગતું આજે જોવા મળ્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ જ સરકારમાં નંબર 2 રહેશે. તેમને સંસદના નીચલા ગૃહમાં પીએમ મોદીની બાજુની જગ્યા મળી છે. અત્રે જણાવવાનું કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોશી, ગત લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, પૂર્વ પીએમ એચડી દેવગૌડા, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા કેટલાક નેતાઓ એવા પણ છે કે જે આ વખતે લોકસભાનો ભાગ નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...