નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશને બુધવારે દિલ્હીમાંથી આતંકવાદીઓને ફંડ પુરું પાડતા મોડ્યુલનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે. આ મોડ્યુલ હાઈફ સઈદના સંગઠન ફલાહે-ઈન્સાનિયત ફાઉન્ડેશન (FIF) સાથે સંકળાયેલું હોવાનું એનઆઈએનું માનવું છે. એનઆઈએએ આ સંદર્ભમાં ત્રણ વ્યક્તિની ધરપકડ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NIA  દ્વારા દિલ્હીના દરિયાગંજ, નિઝામુદ્દીન અને કુચા ઘાસિરામ વિસ્તારમાં મંગળવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ત્યાર બાદ આ ત્રણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 


NIA  જુલાઈ મહિનામાં વિદેશમાં રહેલા આતંકવાદી સંગઠનોને ફંડ પુરું પાડતા લોકો અને કાશ્મિરી અલગતાવાદીઓને ફંડ પુરું પાડતા લોકો સામે કેસ દાખલ થયો હતો, તેના સંદર્ભમાં તપાસ કરી રહી હતી. 


NIAના જણાવ્યા મુજબ પ્રથમ એફઆઈઆરમાં દિલ્હી સ્થિત કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે કેટલાક લોકો ફલાહે ઈન્સાનિયતના વિદેશમાં રહેલા લોકો પાસેથી ફંડ મેળવી રહ્યા છે અને તેનો આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી રહ્યા છે. 


તપાસમાં NIAને જાણવા મળ્યું કે, દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં રહેતો મોહમ્મદ સાલેમ દુબઈમાં રહેતા એક પાકિસ્તાની નાગરિક સાથે સતત સંપર્કમાં છે. આ પાકિસ્તાની ફલાહે-ઈન્સાનિયત ફાઉન્ડેશનના નાયબ પ્રમુખ સાથે સીધી રીતે સંકળાયેલો છે, જે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સંગઠન છે. 



પીટીઆઈને આપેલા નિવેદનમાં એજન્સીએ જણાવ્યું કે, 'આરોપી વ્યક્તિ FIF પાસેથી અને તેનાં સભ્યો પાસેથી હવાલા મારફતે ફંડ મેળવતો હતો. આરોપી વ્યક્તિ સાથે સંકળાયેલા અન્ય દેશો પાકિસ્તાન, યુએઈના લોકો ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે હવાલા મારફતે નાણા મોકલતા હતા.'


NIAએ 25 સપ્ટેમ્બરના રોજ નિઝામુદ્દીનમાં રહેતા મોહમ્મદ સલમાન, દરિયાગંજમાં રહેતા મોહમ્મદ સલીમ (હવાલા ઓપરેટર) અને કુચા ઘાસિરામમાં રહેતા રાજારામને ત્યાં દરોડા પાડ્યા હતા અને રૂ.1.56 કરોડ રોકડા, રૂ.43 હજારનું નેપાળી ચલણ, 14 મોબાઈલ ફોન, 5 પેન ડ્રાઈવ અને વિવિધ અપરાધિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું સાહિત્ય ઝડપી પાડ્યું હતું. 


આવું અપરાધિક સાહિત્ય મળી આવ્યા બાદ NIA  દ્વારા દિલ્હીના FIFના સભ્ય મોહમ્મદ સલમાન(52), હવાલા ઓપરેટર મોહમ્મદ સલીમ ઉર્ફે મામા (62) અને સજ્જાદ અબ્દુલ વાની (34), મૂળ જમ્મુ-કાશ્મીરના રહેવાસીની દિલ્હીમાંથી ધરપકડ કરી હતી.