શું નીતીશ કુમાર હશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર? એનસીપીએ આપી પ્રતિક્રિયા
એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલીકે કહ્યુ કે, બિહારના મુખ્યમંત્રી ભાજપ સાથે ગઠબંધન તોડે તો તેમના નામ પર વિચાર કરી શકાય છે.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે મંગળવારે કહ્યુ કે, આગામી રાષ્ટ્રપતિ માટે ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર પર નિર્ણય વિભિન્ન રાજકીય દળો દ્વારા સામૂહિક રૂપથી લેવામાં આવશે. નવાબ મલિકે કહ્યુ કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નામ પર વિચાર કરી શકાય છે, પરંતુ માત્ર ત્યારે, જ્યારે તેની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) ભાજપની સાથે સંબંધ તોડી નાખે. મુંબઈમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા મલિકે દાવો કર્યો કે, ભાજપને પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભગવા પાર્ટીને ચૂંટણીમાં 150થી ઓછી સીટો મળશે.
તેમણે કહ્યું કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરોધી મોર્ચો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બાબતે તેમણે તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે મહા વિકાસ અઘાડીના સર્વોચ્ચ નેતાઓની હાલની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો.
એક સવાલના જવાબમાં મલિકે કહ્યુ કે, આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નીતીશ કુમારને વિપક્ષના ઉમેદવાર બનાવવાના અહેવાલો છે. તેમણે કહ્યું કે, આ વાત પર ત્યાં સુધી ચર્ચા ન થઈ શકે જ્યાં સુધી નીતીશ કુમાર ભાજપ સાથે સંબંધ ન તોડી દે. તેમણે કહ્યું કે, નીતીશ કુમારે પહેલાં ભાજપનો સાથ છોડવોપડશે. ત્યારબાદ તેમની ઉમેદવારી પર વિચાર કરી શકાય છે. મહત્વનું છે કે બિહારમાં જનતા દળ અને ભાજપના ગઠબંધનની સરકાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube